BREAKING NEWS

ભુજ-ખાવડા હાઈવે મોતની ચીચીયારીથી ગુંજી ઉઠ્યો, આર્મી પરિવારના 7 લોકો કાળનો કોળિયોઃ ટ્રેલર અને કાર વચ્ચે ટક્કર થતાં મોતનું તાંડવ

  • November 22, 2026 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કચ્છના ભુજ-ખાવડા નેશનલ હાઈ-વે પર શનિવાર, 21 નવેમ્બરની રાત્રે એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ખાવડા નજીક વેકરિયાના રણ વિસ્તારમાં પૂરપાટ ઝડપે દોડતા ટ્રેલર અને કાર વચ્ચે થયેલી સામસામેની ટક્કરમાં મૂળ ઉત્તરાખંડના એક આર્મી પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે. અકસ્માત એટલો ભીષણ હતો કે કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેના બે ટુકડા થઈ ગયા હતા. આ ગોઝારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


ખાવડાથી ભુજ પરત ફરતી વખતે કાળ ભેટ્યો

મળતી વિગતો અનુસાર, મૂળ ઉત્તરાખંડનો આ આર્મી પરિવાર કચ્છના સફેદ રણ સહિતના પ્રવાસન સ્થળોની મુલાકાતે આવ્યો હતો. શનિવારે રાત્રે આશરે 9:30 વાગ્યાના અરસામાં પરિવારના સાત સભ્યો કારમાં સવાર થઈને ખાવડાથી ભુજ તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન વેકરિયા નજીક સામેથી પૂરઝડપે આવી રહેલા એક ટ્રેલર સાથે તેમની કાર ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર પડીકું વળી ગઈ હતી અને અકસ્માત બાદ રસ્તા પર મૃતદેહો વિખેરાયેલા પડ્યા હતા.


3 મહિનાની માસૂમ બાળકી સહિત આખો પરિવાર હોમાયો

આ ગમખ્વાર દુર્ઘટનામાં કારમાં સવાર એક જ પરિવારના તમામ 7 સભ્યોનાં ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયાં હતાં, જેના કારણે પરિવારમાંથી કોઈ જીવિત બચ્યું ન હતું. મૃતકોમાં પતિ-પત્ની અને તેમની માત્ર 3 મહિનાની માસૂમ બાળકી ઉપરાંત પિતા-પુત્રી અને માતા-પુત્રીનો સમાવેશ થાય છે. રાત્રિના સમયે બનેલા આ ભયાનક અકસ્માતને પગલે હાઈ-વે પર ભારે અફરાતફરી મચી ગઈ હતી અને વાતાવરણ કરુણ દ્રશ્યોથી ગમગીન બની ગયું હતું.​​​​​​​


અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોની યાદી

સૌરવસિંહ જસપાલસિંહ નેગી (ઉંમર 32 વર્ષ)

સવિતા સૌરવસિંહ નેગી

સિવિકા સૌરવસિંહ નેગી (ઉંમર 3 મહિના)

રિંકી નિતિન ગુસાઈ

વામિકા નિતિન ગુસાઈ

રાજેશસિંહ રાવત

રક્ષિતા રાજેશ રાવત (ઉંમર 7 વર્ષ)​​​​​​​


સેનાના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા, પોલીસ તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સના કાફલાને જાણ કરવામાં આવી હતી. તમામ સાત મૃતદેહોને તાત્કાલિક પોસ્ટમોર્ટમ અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આર્મી પરિવારને નડેલા આ ભીષણ અકસ્માતના સમાચાર મળતા જ ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક જી.કે. જનરલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને જરૂરી કાર્યવાહીમાં જોડાયા હતા. હાલ પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને અકસ્માત અંગે વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application