BREAKING NEWS

૭૧ ટકા વરસાદની ઘટ, જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: કોંગ્રેસનું કલેક્ટરને આવેદન

  • August 24, 2026 02:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૭૧ ટકા વરસાદની ઘટ, જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: કોંગ્રેસનું કલેક્ટરને આવેદન

માંગણી: જિલ્લાના તમામ ડેમ સૌની યોજનાથી તાત્કાલીક ભરવા, ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધીરાણ અને વીજબીલ માફ કરવા રજૂઆત 

જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથીરિયા સહિતના આગેવાનો અને ખેડૂતો બહોળી સંખ્યામાં જોડાયા

જામનગર જિલ્લામાં વરસાદની ગંભીર અછત સર્જાતા ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉઠી છે. જામનગર જિલ્લામાં અંદાજે ૭૧ ટકા વરસાદની ઘટ નોંધાઈ હોવાનું જણાવી જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનમાં જિલ્લાના તમામ ડેમ સૌની યોજનાથી તાત્કાલીક ભરવા અને ખેડૂતોનું ચાલુ વર્ષનું ધીરાણ અને વીજબીલ માફ કરવા માંગણી કરવામાં આવી છે.

જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયાના નેતૃત્વમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો તથા ખેડૂતો આજે સવારે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લામાં વરસાદની અછતના કારણે ખેડૂતો સામે ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિ અંગે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવાયું હતું કે, અડધાથી વધુ ચોમાસું વીતી જવા છતાં જામનગર જિલ્લામાં ફકત ૨૯ ટકા વરસાદ વરસ્યો છે. ૭૧ ટકા વરસાદની ઘટ છે. રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૧-૨૨ માં મુખ્યમંત્રી કીશાન સહાય યોજના બનાવામાં આવી છે. જે મુજબ સતત ચાર અઠવાડીયા વરસાદ ન પડે તો તે વિસ્તારને દુષ્કાળગ્રસ્ત ગણવાવામાં આવે તેમ દર્શાવાયું છે. ત્યારે જામનગર જિલ્લામાં  વરસાદની અછતને કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી, ઘાસચારો અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ અંગે પણ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ શકે છે. ખેડૂતોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવી જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના લોકોને જરૂરી રાહત સહાય પૂરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
​​​​​​​
તદઉપરાંત જિલ્લાના તમામ ડેમ સૌની યોજના મારફત ભરવા તથા ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધીરાણ અને વીજબીલ માફ કરવા, જિલ્લામાં નિયમ મુજબ ૭ કીમી ત્રિજીયામાં ઘાસચારા વિતરણ કેન્દ્વો ખોલવા, ખેડૂતો અને ખેતમજૂરોને રોજીરોટી મળે તે માટે રાહતકામ શરૂ કરવા માંગણી કરી છે. આવેદનપત્ર આપતી વેળાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયા સહિત કોંગ્રેસના વિવિધ આગેવાનો  અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર સમક્ષ ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવા માંગ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application