રાજકોટ શહેરના કિશાનપરા ચોક પાસે જીવી હાઉસ શેરી નંબર સાતમાં આવેલા મકાનમાં મહિલા ફસાઈ ગયા હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળતા ફાયર બ્રિગેડના સાથે તાકીદે અહીં પહોંચી મહિલાનું રેસ્કયુ કરી તેમને હેમખેમ બહાર કાઢ્યા હતા. મહિલા છેલ્લા ૨૦ દિવસથી મકાનમાં ફસાયા હોવાનુ માલુમ પડયું છે.
જાણવા મળતી વિગતો મુજબ, ફાયર બ્રિગેડને આજરોજ સવારના 08:15 વાગ્યા આસપાસ સોનુભાઈ નામના વ્યક્તિએ કોલ કરી જણાવ્યું હતું કે, કિશનપરા ચોક પાસે જી.વી હાઉસ શેરી નંબર સાતમાં આવેલા મકાનમાં મહિલા ફસાયા છે. જેથી કાલાવડ રોડ ફાયર સ્ટેશનથી મીની ફાયર ફાઈટર લઈ ફાયર ની ટીમ અહીં પહોંચી હતી. અહીં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા મકાનમાં મહિલા ફસાયા હોય જેથી ઘણ દ્વારા દરવાજાનો લોક તોડી મહિલાને બહાર કાઢવામાં આવ્યા હતા.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, ફાયરમાં કોલ કરનાર સોનુભાઈ આ મહિલાના સંબંધી હોવાનું જાણવા મળ્યું છે અને મહિલાનું નામ નેહાબેન (ઉ.વ. 35) હોવાનું અને તેઓ છેલ્લા ૨૦ દિવસથી અંદર ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. મહિલા માનસિક રીતે અસ્વસ્થ હોવાની સ્થાનિકોમાં ચર્ચા થઇ રહી હતી. બનાવને લઇ 181 અને 112 ની ટીમ પણ અહીં આવી પહોંચી હતી. સદભાગ્યે આ બનાવવામાં કોઈ જાનહાની થવા પામી નથી. આ કામગીરીમાં ફાયર બ્રિગેડના સંજયસિંહ ગોહિલ, શક્તિસિંહ, હાર્દિકભાઈ વાઘેલા, નરેશભાઈ સુથાર અને ઈમ્તિયાઝ ભાઈ સાથે રહ્યા હતા.