વલસાડ શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી થયેલી ઓળખાણ બાદ એક સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ (ગેંગરેપ) આચરવામાં આવ્યું હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. તિથલ ખાતે આવેલા પ્રખ્યાત સાઈબાબા મંદિર નજીકના એક અવાવરૂ વિસ્તારમાં બોલાવીને ત્રણ નરાધમોએ સગીરા પર હેવાનિયત આચરી હતી. આ ચકચારી મામલે વલસાડ સિટી પોલીસ મથકે ગુનો નોંધાતાં જ સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે ખળભળાટ મચી ગયો છે.
મળતી વિગતો અનુસાર, વલસાડમાં રહેતી સગીરાનો આશરે ૬ મહિના પહેલાં સોશિયલ મીડિયા પર એક સગીર વયના યુવક સાથે સંપર્ક થયો હતો. જે બાદ બંને વચ્ચે અવારનવાર વાતચીત થતી હતી. ગત રોજ આરોપીએ વાતચીત દરમિયાન સગીરાને તિથલ સ્થિત સાઈબાબા મંદિર પાસે મળવા માટે બોલાવી હતી. સગીરા ત્યાં પહોંચતા જ આરોપી તેને મંદિર નજીકની એક એકાંત અને અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો અને પ્રથમ તેણે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ વિકૃત માનસિકતા ધરાવતા આ મુખ્ય આરોપીએ પોતાના અન્ય ૨ મિત્રોને પણ સ્થળ પર બોલાવી લીધા હતા અને ત્રણેય જણાએ વારાફરતી સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી.
આ ઘાતકી કૃત્ય આચર્યા બાદ આરોપીઓ સગીરાને પરત મૂકવા જઈ રહ્યા હતા. બીજી તરફ, સગીરા મોડે સુધી ઘરે પરત ન ફરતાં ચિંતિત પરિવારજનો રસ્તા પર તેની શોધખોળ કરી રહ્યા હતા. પરિવારજનોની શોધખોળ અને સ્થાનિક લોકોની અવરજવર જોઈને પકડાઈ જવાના ડરે આરોપીઓ સગીરાને રસ્તામાં જ છોડીને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. મોડી રાત્રે આશરે ૧:૩૦ વાગ્યાના સુમારે પરિવારજનોને સગીરા મળી આવી હતી. ગંભીર આઘાતમાં સરી પડેલી સગીરાએ પૂછપરછ દરમિયાન પોતાની સાથે બનેલી સમગ્ર આપવીતી પરિવાર સમક્ષ રજૂ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ જરાય વિલંબ કર્યા વગર વલસાડ સિટી પોલીસ સ્ટેશને પહોંચીને વિધિવત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મામલાની સંવેદનશીલતા અને ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત જ સામૂહિક દુષ્કર્મ (ગેંગરેપ) તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને કાયદેસરના ચક્રો ગતિમાન કર્યા છે.