BREAKING NEWS

અમદાવાદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: ભૂતનો વળગાડ દૂર કરવા ભુવાનું 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મ, જાણો ચોંકાવનારી ઘટના વિશે

  • August 18, 2026 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ શહેરમાં અંધશ્રદ્ધા અને માનસિક શોષણનો વધુ એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતા એક પરિવારે પોતાની સગીર વયની દીકરીની બીમારી દૂર કરવા માટે ભુવાનો સંપર્ક કરતા, તાંત્રિક વિધિના નામે ભુવાએ સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ગંભીર ઘટના સામે આવી છે. સમગ્ર મામલે ભોગ બનનાર પીડિતાના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવતા સોલા પોલીસે આરોપી ભુવાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


ભૂતનો વળગાડ હોવાનું કહી ઘરના રૂમમાં આચર્યું દુષ્કર્મ

ઘટનાની મળતી વિગતો અનુસાર, સોલા વિસ્તારમાં રહેતા પરિવાની ૧૫ વર્ષીય દીકરી એક વર્ષ પહેલા અચાનક બીમાર પડી હતી. દીકરીની સારવાર માટે પરિવારે તેમના ઓળખીતા ભુવા ચંદ્રકાંત પંચાલનો સંપર્ક કર્યો હતો. ઢોંગી ભુવા ચંદ્રકાંતે પરિવારને ડરાવતા કહ્યું કે, તમારી દીકરીને ભૂતનો વળગાડ છે અને તેને દૂર કરવા માટે ખાસ વિધિ કરવી પડશે. અંધશ્રદ્ધામાં અંધ થયેલા માતા-પિતા વિધિ માટે તૈયાર થતાં ભુવો તેમના ઘરે પહોંચ્યો હતો. વિધિ કરવાના બહાને માતા-પિતાને રૂમની બહાર મોકલી દઈ, અંદર સગીરાને કેફી પીણું પીવડાવી અર્ધબેભાન હાલતમાં તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું.


સોનું મળશે તેવી લાલચ આપી વારંવાર કુકર્મ આચર્યું

ભોગ બનનાર સગીરાના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. તેનો ગેરલાભ ઉઠાવીને આરોપી ભુવા ચંદ્રકાંતે પરિવારને ઘરમાંથી સોનું મળવાની અને આર્થિક સ્થિતિ રાતોરાત સદ્ધર કરી દેવાની લોભામણી લાલચો આપી હતી. વિધિના નામે સગીરાને અવારનવાર પોતાના ઘરે બોલાવીને ભુવો તેની સાથે કુકર્મ આચરતો રહ્યો હતો. આ સાથે જ ભુવાએ સગીરાને ધમકી આપી હતી કે જો આ અંગે તે કોઈને પણ જાણ કરશે તો તેના પરિવારનું ભારે અકાળ અને ખરાબ થશે.


સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થતાં ભાંડો ફૂટ્યો

આ પાપી ભુવાએ સગીરા સાથે લીધેલા પોતાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા. જ્યારે સગીરાના સગા-સંબંધિઓએ આ ફોટોગ્રાફ્સ જોઈને તેના માતા-પિતાનું ધ્યાન દોર્યું, ત્યારે પરિવારે દીકરીની ગંભીર પૂછપરછ કરી હતી. સગીરાએ પોતાની સાથે બનેલી તમામ આપવીતી માતા-પિતા સમક્ષ રજૂ કરતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. આખરે પરિવારે હિંમત કરી સોલા પોલીસ સ્ટેશનમાં આરોપી ભુવા સામે ગુનો નોંધાવ્યો હતો.


આરોપી ભુવો રીઢો ગુનેગાર 

આ ઘટના અંગે માહિતી આપતા ઝોન-૧ ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, આરોપી ચંદ્રકાંત પંચાલ વિરુદ્ધ અગાઉ પણ છેતરપિંડીના ચાર જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તે ભુવો બનીને વિધિ કરવાના નામે અલગ-અલગ લોકો પાસેથી અત્યાર સુધીમાં આશરે ૫૬ લાખ રૂપિયા પડાવી ચૂક્યો છે. આ કિસ્સામાં પણ તેણે અંધશ્રદ્ધાનો લાભ લઈને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપીની વિધિવત ધરપકડ કરી લઈ આગળની તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application