જામનગર: લાલપુર એસડીએમ ટ્રિબ્યુનલે વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ અધિનિયમ-૨૦૦૭ હેઠળ પીડિત માતાના હિતમાં આપ્યો ન્યાયી ચુકાદો
લાલપુર સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી દ્વારા ૮૩ વર્ષના વૃદ્ધ વિધવા માતાનું ભરણપોષણ ન કરતા પુત્રને માસિક રૂ. 4 હજાર ચૂકવવાનો આદેશ કરાયો
જમીન મેળવ્યા છતાં માતાની ઉપેક્ષા કરનાર પુત્ર સામે નિયમિત ભરણપોષણ ન ચૂકવે તો જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલાત થશે
જામનગર જિલ્લાના લાલપુર સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને મેન્ટેનન્સ ટ્રિબ્યુનલ સમક્ષ 'માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ, ૨૦૦૭' તથા 'ગુજરાત નિયમો, ૨૦૦૯' હેઠળ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી એસ.જે. અસવાર દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. જામજોધપુર તાલુકાના જામવાડી ગામે રહેતા ૮૩ વર્ષીય વિધવા માતા દિવાળીબેન રવજીભાઈ ખાંટ દ્વારા પોતાના પુત્ર વિનોદ રવજીભાઈ ખાંટ સામે માસિક ભરણપોષણ મેળવવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી.
અરજદાર માતાની રજૂઆત અનુસાર, તેઓ વૃદ્ધાવસ્થા, ગોઠણના ઘસારા અને અવારનવાર થતી બીમારીઓથી પીડાય છે તથા ઉપલેટાની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે, પરંતુ તેમની પાસે સ્વ-કમાણી કે જીવનનિર્વાહનું કોઈ સાધન નથી. પિતાની વડીલોપાર્જિત ખેતીની જમીનમાં હિસ્સો મળ્યા છતાં અને અગાઉ થયેલી સમજૂતી છતાં પુત્ર વિનોદ ખાંટે માતાનું ભરણપોષણ કરવા, દવા-સારવાર કે ઓપરેશનનો ખર્ચ ઉપાડવાની ચોખ્ખી ના પાડી દીધી હતી અને પોતાની ફરજમાંથી છટકી તેમની ઉપેક્ષા કરી હતી. આ અંગે પુત્રે પોતાના જવાબમાં વાર્ષિક રકમની સમજૂતી હોવાનો તથા બીજા ભાઈ સુભાષભાઈએ તમામ જવાબદારી સ્વીકારી હોવાનો બચાવ રજૂ કરી માસિક રૂ. ૭,૦૦૦ ની માંગણીનો ઈન્કાર કર્યો હતો.
કેસની સંપૂર્ણ સુનાવણી, લેખિત જવાબો અને રજૂ થયેલા પુરાવાઓની સમીક્ષા કર્યા બાદ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એસ.જે.અશવારે નોંધ્યું હતું કે કાયદાની કલમ ૪ હેઠળ દરેક પુખ્ત પુત્ર પર પોતાના વરિષ્ઠ માતા-પિતાનું ભરણપોષણ કરવાની કાનૂની અને નૈતિક ફરજ છે. સુપ્રીમ કોર્ટના 'ઉર્મિલા દીક્ષિત વિરુદ્ધ સુનીલ શરણ દીક્ષિત (૨૦૨૫ INSC ૨૦)' તથા ગુજરાત હાઈકોર્ટના 'પરમાર ડાહયાભાઈ હેમાભાઈ વિરુદ્ધ પરમાર પ્રકાશભાઈ ડાહયાભાઈ (૨૦૧૩)'ના ચુકાદાઓનો સંદર્ભ આપતા ટ્રિબ્યુનલે સ્પષ્ટ કર્યું કે આ એક સામાજિક કલ્યાણકારી કાયદો છે અને જૂની ખાનગી સમજૂતી કે કરારથી પુત્ર પોતાની કાનૂની ફરજમાંથી મુક્ત થઈ શકતો નથી. માતાની ઉંમર, તબીબી સ્થિતિ અને સામાવાળા પુત્રની આર્થિક ક્ષમતા ધ્યાને રાખી લાલપુર ટ્રિબ્યુનલે તારીખ ૧૦ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ આદેશ ફરમાવ્યો કે પુત્ર વિનોદ ખાંટે અરજદાર માતા દિવાળીબેનને દર મહિને રૂપિયા ચાર હજારનું ભરણપોષણ ચૂકવવું. આ રકમ અરજી કર્યા તારીખથી ગણીને દર કેલેન્ડર મહિનાની ૧૦મી તારીખ સુધીમાં નિયમિત ચૂકવવાની રહેશે તેમજ અરજી દાખલ કર્યા તારીખથી હુકમની તારીખ સુધીની તમામ બાકી ચડત રકમ ૩૦ દિવસની અંદર બેંક ખાતામાં જમા કરાવવાની અથવા રોકડમાં રસીદ સામે ચૂકવવાની રહેશે.
જો કોઈ પણ મહિનાનું ભરણપોષણ ચૂકવવામાં ચૂક થશે તો કાયદાની કલમ ૧૧ હેઠળ જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલાતનું વોરંટ તથા અન્ય કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.