BREAKING NEWS

શેત્રુંજય પર્વત પર યાત્રાળુઓની સુરક્ષા માટે હાઇટેક એક્શન પ્લાન: ડ્રોન, વોચ ટાવર અને ટ્રેકિંગથી સિંહો પર રખાશે નજર

  • August 18, 2026 06:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત અને ભારતના પ્રસિદ્ધ જૈન તીર્થ પાલીતાણામાં આવેલ પવિત્ર શૈત્રુંજ્ય પર્વત પર છેલ્લા થોડા સમયથી એશિયાઇ સિંહોની અવર-જવર જોવા મળે છે. જેના ભાગરૂપે પાલીતાણાના શૈત્રુંજ્ય પર્વત પર સિંહોની હાજરીથી યાત્રાળુઓની સુરક્ષા માટે ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાની અધ્યક્ષતામાં તેમજ રાજ્ય મંત્રી પ્રવિણ માળીની ઉપસ્થિતિમાં આણંદજી કલ્યાણજી પેઢીના જૈન આગેવાનો સાથે આજે ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી. 


શૈત્રુંજ્ય પર્વત પર દર વર્ષે પગપાળા યાત્રા કરતાં હજારો યાત્રાળુઓને સિંહ સહિતના વન્ય જીવોથી સુરક્ષિત કરવા માટે વન વિભાગના કર્મયોગીઓ ખડે પગે રહીને સતત સેવા આપી રહ્યા છે.

શૈત્રુંજ્ય પર્વત પર ગત ફાગણ ફેરીમાં વન વિભાગ દ્વારા કરવામાં આવેલ પ્રસંશનીય કામગીરીને જૈન સમાજ દ્વારા મેસેજ કરીને બિરદાવવામાં આવી હતી તેનો ઉલ્લેખ કરતાં વન મંત્રી અર્જુન મોઢવાડીયાએ કહ્યું હતું કે, પાલીતાણાના શૈત્રુંજ્ય પર્વત પર યાત્રાળુઓની સુરક્ષા માટે ડ્રોન ટેકનોલોજી દ્વારા રાત-દિવસ સતત નિરિક્ષણ, ૦૪ પ્રા-ફેબ્રિકેટેડ વોચ ટાવર, ૦૪ પ્રા-ફેબ્રિકેટેડ સેન્ટર કમ કેબિન તેમજ સતત ટ્રેકિંગ- સ્કેનિંગ દ્વારા સિંહોની અવર-જવર ઉપર નજર રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે. 


આ વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે જાહેર કરવા માટે પણ વિચારણા કરવામાં આવશે. સિંહોના ટ્રેકિંગ અને યાત્રાળુઓની સુરક્ષા માટે હંગામી ધોરણે સ્થાનિક યુવાનોની ભરતી કરવામાં આવશે. આ સિવાય પર્યાવરણને ધ્યાનમાં રાખીને યાત્રા માર્ગનું સમારકામ પણ કરવામાં આવશે જેથી યાત્રાળુઓને ચાલવામાં વધુ સુગમતા રહે. આ તમામ વ્યવસ્થા-સુવિધાઓ આગામી સમયમાં સુનિશ્ચિત કરવા મંત્રીશ્રીએ વન વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. 


મંત્રીએ કહ્યું હતું કે, વન વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં આ વિસ્તારમાં વિહરતા સિંહોનું પૂનમ અવલોકન-વિશ્લેષણ કરવામાં આવ્યું છે.  સિંહની પ્રકૃતિ મુજબ કોઇ દિવસ સામેથી મનુષ્ય ઉપર હુમલો કરતો નથી પરંતુ તેને રંજાડવાથી જ તે હુમલો કરે છે. વન્ય પ્રાણીઓના હિતમાં તેમજ સુરક્ષાના કારણોસર યાત્રાળુઓ સવારે સૂર્યોદય પછી યાત્રા શરૂ કરે અને સાંજે  સૂર્યાસ્ત પહેલા પોતાની યાત્રા પૂર્ણ કરે તે હિતાવહ છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું. 

આણંદજી કલ્યાણજી પેઢીના જૈન આગેવાનોએ કહ્યું હતું કે, પર્યાવરણ અને વન્ય જીવના જતન માટે અમારો હંમેશા વન વિભાગ સાથે સારો અને હકારાત્મક અનુભવ રહ્યો છે. અમે હંમેશા યાત્રાળુઓને શિસ્ત અને શાંતિથી યાત્રા પૂર્ણ કરવા આગ્રહ કરતા હોઇએ છીએ જેથી વન્યજીવોને કોઇપણ પ્રકારની કનડગત પહોંચે નહીં. જ્યારે પણ જરૂર પડે ત્યારે વન વિભાગના અધિકારી અને કર્મયોગીઓ મદદ માટે હંમેશા તૈયાર હોય છે. 

વન વિભાગ દ્વારા  આ સંદર્ભે કરવામાં આવનાર કામગીરી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં લોકજાગૃતિ અને સંકલન, વન અને વન્ય જીવ સંરક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને હેબિટાટ મેનેજમેન્ટ, માળખાકીય ઇન્ફ્રાસ્ટ્રકચર,  

ટ્રેકિંગ-સ્કેનિંગ, પ્રા-ફેબ્રિકેટેડ વોચ ટાવર, સિડી સાથે પ્રા-ફેબ્રિકેટેડ સેન્ટર કમ કેબિન, માનવ સંશાધન અને સશક્તીકરણ , ડ્રોન ટેકનોલોજી, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્સી, સાયલેન્ટ ઝોન તેમજ વિશેષ કામગીરીમાં છ ગાઉ યાત્રા વગેરે વિષયો પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.  

આ બેઠકમાં વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી વિનોદ રાવ, હેડ ઓફ ધી ફોરેસ્ટ જયપાલસિંઘ, આણંદજી કલ્યાણજી પેઢીના હોદેદાર અને ઉદ્યોગપતિ ડૉ.સુધીર મહેતા, ટ્રસ્ટી શ્રીપાલભાઇ, જૂનાગઢ સર્કલના CF મોહન રામ, ભાવનગર DFO યોગેશ દેસાઈ સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application