શાપર-વેરાવળ વિસ્તારમાંથી 15 વર્ષની તરુણીને 16 વર્ષનો તરૂણ ભગાડી ગયા બાદ પોલીસે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી બંનેને શોધી કાઢ્યા હતા. બાદમાં તરૂણીનું મેડિકલ ચેકઅપ કરાવતા માલુમ પડ્યું હતું કે, તરૂણે સગીરા પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી છે. જેથી આ અંગે શાપર વેરાવળ પોલીસે તરૂણ સામે દુષ્કર્મની કલમનો ઉમેરો કરવા કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, ગત તા. 4ના રોજ શાપરમાંથી 15 વર્ષનીનું તરૂણીનું અપહરણ થયાં અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે અંગે શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઇ આર.બી. રાણાની રાહબરીમાં અલગ અલગ ટીમો બનાવી અપહ્યતના સગડ મેળવવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન તરૂણી હાલ મધ્યપ્રદેશના જાબવા જિલ્લામાં હોવાની માહિતી મળતા પોલીસની ટીમ અહીં પહોંચી હતી અને અહીંથી પોલીસે તરૂણીને મુક્ત કરાવી તેને ભગાડી જનાર 16 વર્ષના તરૂણની અટકાયત કરી હતી. બાદમાં બંનેને શાપર લાવવામાં આવ્યા હતા.
15 વર્ષની તરૂણીનું મેડિકલ ચેકઅપ કરાવતા તેણી ગર્ભવતી હોવાનું માલુમ પડ્યું હતું. બાળ આરોપી તેને ભગાડી ગયા બાદ તરૂણી પર દુષ્કર્મ આચર્યું હતું. જેથી આ અંગે બાળઆરોપી વિરુદ્ધ દુષ્કર્મની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. અપહ્યત તરૂણીને શોધી કાઢવાની આ કાર્યવાહીમાં શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઇ આર.બી.રાણાની રાહબરીમાં એએસઆઇ ક્રિપાલસિંહ રાણા, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ધાધલ, જગદીશભાઈ ઝાલા, દિનેશભાઈ ખાટલીયા, કોન્સ્ટેબલ લગધીરસિંહ જાડેજા, અલ્પેશભાઈ ડામસિયા, વિમલભાઈ વેકરીયા અને રાજદીપસિંહ જાડેજા સાથે રહ્યા હતા.