રાજકોટ શહેરના ગિરનાર ટોકીઝ પાસે આવેલી ડીજીએફટી (ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ)ની કચેરીના જોઈન્ટ ડિરેક્ટર અને ઇન્ડિયન ટ્રેડ સર્વિસના અધિકારી જવરીમલ બિશ્નોઇએ કચેરીના ચોથા માળેથી ઝંપલાવી દીધાના બનાવ હત્યાનો હોવાનુ સામે સ્પષ્ટ થયું છે.
સાડા ત્રણ વર્ષ પૂર્વે સીબીઆઇએ પાંચ લાખની લાંચ લેતા ઝડપી લીધા હતા. જેના બીજા દિવસે સીબીઆઇની કસ્ટડીમાં જ પોતાની કચેરીના ચોથા માળથી ઝંપલાવી આત્મહત્યા કરી લીધાનું પોલીસમાં જાહેર થયું હતું. બનાવ હત્યાનો હોવાની શંકા સાથે મૃતકના પત્નીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવતા હાઇકોર્ટના હુકુમના પગલે સીઆઈડી ક્રાઇમે આ અંગે અજાણ્યા શખસો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
મૂળ રાજસ્થાનના બીકાનેરના ખાજુ વાલા ગામના વતની મૃતકના પત્ની સુમનબેને (ઉ.વ.48) દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિ વર્ષ 2022 ના મે મહિનાથી બીજી કચેરીમાં જોઈન્ટ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા તે વખતે પરિવાર સાથે રૈયા રોડ પર સોપાન લક્ઝરીયસમાં ભાડાના ફ્લેટમાં રહેતા હતા. ગઇ તા. 24-3-2023 ના તેઓ ઘરે હતા ત્યારે ત્રણ ચાર માણસો ઘરે આવ્યા હતા અને તેમણે પોતાની ઓળખ સીબીઆઇના માણસો તરીકે આપી હતી તેમને આઈડી અને વોરંટ બતાવવાનું કહેતા ઇન્કાર કરી દીધો હતો આ દરમિયાન ફરિયાદીએ પતિને ત્રણથી ચાર વખત કોલ કર્યા હતા પરંતુ રિસીવ થયા ન હતા બાદમાં ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો.
સાંજે પુત્ર કોલેજથી ઘરે આવ્યો ત્યારે તેની સાથે બીજા ત્રણથી ચાર માણસો પણ આવ્યા હતા જેથી પુત્રએ કોણ છે તેમ પુછતા સીબીઆઇના માણસો તરીકે ઓળખ આપી હતી પુત્રએ પણ તેમની પાસે આઈડી વોરંટ બતાવવાનું કહેતા ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, તારા પપ્પાને અટક કર્યા છે હવે અમદાવાદ લઈ ગયા છીએ તમારા ઘરની જડતી કરવાની છે એટલે દરવાજો ખોલો જેથી ફરીયાદીના પુત્ર એડવોકેટનો સંપર્ક કર્યો હતો. જેમણે સીબીઆઇ અધિકારીઓ સાથે વાત કરાવવાનું કહ્યું હતું પરંતુ તે લોકોએ વાત કરી ન હતી અને બંનેપક્ષો વચ્ચે રાતના 11:00 વાગ્યા સુધી દલીલબાજી ચાલી હતી.
દરમિયાન સીબીઆઇના એક અધિકારીએ સ્પીકરમાં ફોન રાખ્યો હતો પરંતુ પતિ સાથે વાત કરાવી ન હતી. આ દરમિયાન તે પતિની ચીસો સાંભળતી હતી ફરીયાદીના પતિ બહુ દર્દમાં હોય તેવું લાગ્યું હતું તેના પતિ કહેતા હતા કે સાહેબ મારા ફેમિલીને ફોટા કેસમાં ફસાવાતા નહીં, જેથી સામેવાળા તેના પતિને ગાળો ભાંડી કહ્યું હતું કે, તમે ખોટા માણસ સાથે પંગો લીધો છે સવારે 9:30 વાગ્યા સુધી ઘરની જડતી ચાલી હતી જોકે ફરિયાદીએ સહી કરવાની ના પાડી દીધી હતી બાદ આ માણસો જતા રહ્યા હતા.
થોડીવાર બાદ સોશિયલ મીડિયા મારફત પતિ પર કેસ થયાની અને તે ઓફિસની બારીમાંથી નીચે પડી જતા ઈજા થયાની જાણ થઈ હતી. બાદમાં ફરિયાદીના પતિનું મૃત્યુ થયું હતું જે તે સમયે પ્ર.નગર પોલીસમાં જાણવા જોગ દાખલ કરવામાં આવી હતી. પરંતુ મૃતકના પરિવારને શંકા હોય જેથી તેમના પરિવારજનોએ બનાવ હત્યાનો હોવાનું જણાવી હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે ગઈ તા. 28 સપ્ટેમ્બરના ગુનો દાખલ કરવા આદેશ કરતા આખરે સીઆઇડી ક્રાઇમએ જવેરીમલ બિશ્નોઇની હત્યા અંગે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
તમારા પતિની ઓફિસમાં ડ્રગ્સ મળ્યું છે હવે તમે તેનો ચહેરો નહીં જોઈ શકો
મૃતકના પત્ની સુમનબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, વહેલી સવાર સુધી તેમના ઘરની જડતી ચાલી હતી તે વખતે તેમના પુત્રએ મોબાઇલમાં વોઇસ રેકોર્ડિંગ ચાલુ કર્યું હતું જેમાં તે લોકો બોલતા હતા કે, તમારા પતિની ઓફિસમાંથી ડ્રગ્સ અને ગાંજો મળ્યો છે જેથી હવે તેમાં તેને ફસાવી દઈશું. તમારા પતિ આખી જિંદગી જેલમાં રહેશે જો તમે સહી નહીં કરો તો તમારો દીકરો જ્યારે 18 વર્ષનો થશે ત્યારે તેને દારૂના કેસમાં ફસાવી દઈશું. સીબીઆઇના અધિકારીઓએ જતા જતા કહી ગયા હતા કે હવે તમારા પતિનો ચહેરો ક્યારેય જોઈ શકશો નહીં. તમને પણ જેલમાં મોકલી દઈશું તેવું સુમનબેને ફરિયાદમાં જણાવ્યું હતું.