એસટી બસપોર્ટના ત્રીજા માળે આવેલા ગોલ્ડ સ્પામાં દરોડો પાડી સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. દરોડા દરમિયાન અહીંથી પાંચ લલના અને બે ગ્રાહકો મળ્યા હતાં. ગોલ્ડ સ્પાનો સંચાલક રવિ અને મેનેજર નરેશ બહારથી લલનાઓ બોલાવી એક મહિનાથી અહીં કુટખાનુ ચલાવતા હતાં. ગ્રાહક પાસેથી પાંચ હજાર લઇ લલનાને રૂ. એક હજાર આપતા હતાં.
પ્રાપ્ત વિગતો મુજબ, એ.ડિવિઝન પોલીસ મથકના પીઆઈ જે.વી.વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ એસ.એમ.રાણા ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહેશ ચાવડા, કલ્પેશભાઈ બોરીચા, કરણભાઇ વિરસોડીયા, રૂતીકાબેન તથા સુધાબેનને હકીકત મળી હતી કે, એસ.ટી.બસ સ્ટેન્ડ ત્રીજો માળે આવેલ "ગોલ્ડ સ્પાની અંદર સ્પા સંચાલક નામ રવી ભુપત ખેરૈયા અને મેનેજર નરેશ ધર્મેન્દ્ર રાણા હોટલમા છોકરીઓ રાખી બહારથી ગ્રાહકો બોલાવી દેહ વ્યાપાર કરાવે છે. જેથી પોલીસે દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન કાઉન્ટર પર બેસેલ શખસને નામ પુછતા પોતાનું નામ નરેશ ધર્મેન્દ્ર રાણા (ઉ.વ.૧૯, ધંધો સ્પા. મેનેજર, રહે.સાધુવાસવાણી રોડ વંસત વાટીકા બ્લોક નં.૧૦૧) અને પોતે મેનેજર હોવાનુ જણાવેલ તેમજ બાજુમા બેસેલ વ્યક્તિનુ નામ પુછતા પોતે પોતાનુ નામ રવી ભુપત ખેરૈયા (ઉ.વ.૩૦, રહે. વિજય પ્લોટ શેરી નં.૦૯) અને પોતે આ ગોલ્ડ સ્પાનો સંચાલક હોવાનુ જણાવેલ હતું. જે બાદ મેનેજર નરેશ રાણાને સાથે રાખી સ્પાના રૂમો ચેક કરાવતા અંદર આવેલ રૂમ નંબર - ૦૪ ની અંદર એક સ્ત્રી તથા એક પુરૂષ કઢંગી હાલતમા મળી આવેલ હતાં.
રૂમમાંથી મળી આવેલ મહિલાએ જણાવ્યું હતું કે, બંને શખસો બહારથી ગ્રાહકો મોકલે છે અને તેઓ ગ્રાહક દીઠ રૂ.૫ હજાર લઈ તેમાંથી રૂ.૧૦૦૦ અમને આપે છે અને બાકીના રૂ.૩૦૦૦ પોતાની પાસે અને સ્પામાં એન્ટ્રી ફી રૂ.૧૦૦૦ અલગથી લે છે. તેમજ અન્ય રૂમમાં ચેક કરતા અન્ય ચાર સ્ત્રીઓ મળી આવેલ હતી. પોલીસે રોકડ રૂ.૯૭૦૦ હજાર, કોન્ડોમનું પેકેટ, મોબાઈલ સહિત કુલ રૂ.૪૪૭૦૦ નો મુદામાલ કબ્જે કરી ગોરખધંધામાં ધકાયેલ મહિલાઓને મુક્ત કરાવી બંને શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, સ્પાનો સંચાલક અને મેનેજર એક મહિનાથી બહારથી લલનાઓ બોલાવી કૂટણખાનું ચલાવતાં હતાં. સ્પામાંથી બે ગ્રાહકો પણ મળી આવ્યાં હતા.