રાજકોટમાં સ્પા મસાજમાં સ્થાનિક તેમજ અન્ય રાજ્યમાંથી જરૂરીયાત મંદ યુવતીઓ અને મહિલાને બોલાવી સ્પા મસાજના વ્યવસાયની આડમાં દેહવિક્રિયનો ગોરખ ધંધો મોટા પ્રમાણમાં કુટણખાનાનો કાળો કારોબાર ધમધમતો હોવાનું ક્રાઈમના યુવા ડીસીપીના ધ્યાને આવતા એન્ટીહ્યુમન ટ્રાફિક યુનિટને આ બદીને ડામી દેવા કરેલા આદેશના પગલે રાજકોટના નાનામવા મેઇન રોડ પર આવેલ વેલ્વેટ વીસ્ટા સ્પામાં રેડ કરી દેહવિક્રિયના ગોરખધંધાનો પર્દાફાસ કરી સ્પાના સંચાલક અને ટેલી કોલર સામે ગુનો દાખલ કરી નવ યુવતીઓને મુક્ત કરાવી હતી.
સ્પાના સંચાલક અને ટેલી કોલર મહિલાને ઝડપી લીધા
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના ડીસીપી ક્રાઈમ, જગદીશ બાંગરવાની સુચનાથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઇ બી એમ ઝણકાટની સૂચનાથી પીએસઆઇ એકે ગૌસ્વામી, હેડ કોન્સ. હરસુખભાઈ વાછાણી, મહમદ આરીફ અન્સારી, હસમુખ બાલધા, ભૂમિકાબેન ઠાકર,જ્યોતિબેન બાબરીયા સહિતની ટીમે નાનામવા મેઈન રોડ પર વેલ્વેટ વિસ્ટા સ્પામાં ચેકિંગ કરતાં સ્પા માં કુટણખાનું ચાલતું હોવાના પુરાવા મળી આવતા સ્પાના સંચાલક અને ટેલી કોલર મહિલાને ઝડપી લેવામાં આવ્યા હતા.
ગ્રાહક પાસે 2500 વસૂલાતા, તેમાંથી 1500 યુવતીને મળતા
આ ઉપરાંત સ્પાનું ચેકિંગ કરતા એક રૂમમાંથી નવ જેટલી યુવતીઓ મળી આવી હતી. જેની પૂછપરછમાં નાગાલેન્ડ, મિઝોરમ, વેસ્ટ બંગાળની કુલ 9 યુવતીઓ મળી આવતા તેઓને મુક્ત કરવામાં આવી હતી. તેમજ સંચાલક અને ટેલીકોલર ગ્રાહક પાસેથી ૨૫૦૦ રૂપિયા શરીરસુખ ભોગવવાના વસુલી તેમાંથી ૧૫૦૦ રૂપિયા ભોગ બનનાર યુવતીને આપતા હોવાનું તેમજ ૧૦૦૦ પોતાની પાસે રાખતા હોવાનું જણાવતા ૩ મોબાઇલ તેમજ રોકડ સહિત કુલ ૭૨૦૦૦નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પોલીસે સંચાલક વિક્રમ મહેશભાઈ વિશ્વકર્મા ઉંમર 26 રહે બ્લુ લોડ્સ જાનકી પાર્ક પ્રિન્સેસ વિદ્યાલય વાળી શેરી અને ટેલીકોલર નિર્મળાબેન રામસિંગભાઈ ટમટા ઉમર 40 રહે મેઘમાયાનગર બે સૂર્યમુખી હનુમાનજી મંદિર પાસે નાનામવા રોડ વાળાની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની કામગીરીમાં પીઆઇ બી એમ ઝણકાટ, પીએસઆઇ ગૌસ્વામી, તેમજ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટી ટીમ જોડાઈ હતી.