BREAKING NEWS

સગા બાપે જ 8 વર્ષના પુત્રને ગળેટૂંપો આપી નદીમાં ફેંકી દીધો, પાવી જેતપુરમાં પિતા કાળ બનીને દીકરાનો જીવ લીધો

  • October 25, 2026 04:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સંબંધોને શર્મસાર કરતી અને હૃદય કંપાવી નાખતી ઘટનાઓ સામે આવી રહી છે, જ્યાં મા-બાપ જ પોતાના માસૂમ સંતાનોના કાળ બની રહ્યા છે. રાજ્યમાં વાવ-થરાદ અને રાજકોટ બાદ હવે છોટાઉદેપુર જિલ્લામાંથી પણ આવો જ એક અત્યંત કરૂણ અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને અરેરાટી મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સુસ્કાલ ગામના તેર ફળિયામાં આ હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં રહેતા જયેશભાઈ લાલાભાઈ નાયકા નામના પિતાએ પોતાના જ આઠ વર્ષીય માસૂમ પુત્રનું ક્રૂરતાપૂર્વક ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને ત્યારબાદ બાળકના મૃતદેહને નદીમાં ફેંકી દીધો હતો. બાળકની હત્યા કર્યા બાદ પિતાએ પણ પોતે જીવ ટૂંકાવવાના ઈરાદાથી પોતાના ગળાના ભાગે બ્લેડ મારીને આત્મહત્યા કરવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો.

આ ઘટનાનો પર્દાફાસ શનિવારે બપોરના સુમારે થયો હતો, જ્યારે જયેશભાઈ સુસ્કાલ ગામ પાસેથી પસાર થતી ઓરસંગ નદીના પટમાં બેઠા હતા. આ દરમિયાન ગામના આગેવાન અશોકભાઈ નાયકા નદી તરફ ગયા હતા અને તેમણે જયેશભાઈને ત્યાં બેઠેલા જોઈને તેમની મુલાકાત લીધી હતી. જ્યારે અશોકભાઈ તેમની નજીક ગયા ત્યારે દ્રશ્ય જોઈને ચોંકી ઉઠ્યા હતા, કારણ કે જયેશભાઈના ગળાના ભાગમાંથી લોહી વહી રહ્યું હતું અને તેમના હાથમાં એક બ્લેડ હતી.

અશોકભાઈએ તાત્કાલિક નજીક જવાનો પ્રયાસ કરતા જ જયેશભાઈએ તેમને અટકાવ્યા હતા અને કહ્યું હતું કે, "મારે હવે જીવવું નથી." આ ભયાનક સ્થિતિ જોઈને અશોકભાઈએ તુરંત જ અન્ય ગ્રામજનોને ફોન કરીને ઘટનાસ્થળે બોલાવી લીધા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. થોડી જ વારમાં 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત જયેશભાઈને પ્રાથમિક સારવાર આપવા સાથે પૂછપરછ શરૂ કરી હતી.

પૂછપરછ દરમિયાન જયેશભાઈએ જે ખુલાસો કર્યો તેણે સૌને હચમચાવી દીધા હતા. તેમણે સ્વીકાર્યું કે તેઓ ભારે માનસિક તણાવમાં જીવી રહ્યા હતા અને તેમણે જ પોતાના આઠ વર્ષીય માસૂમ પુત્રનું ગળું દબાવીને તેને પાણીમાં નાખી દીધો છે. આ વાત સાંભળતા જ સ્થાનિક લોકો અને ગ્રામજનોએ તાત્કાલિક નદીના પાણીમાં શોધખોળ શરૂ કરી હતી. ગ્રામજનોએ દોરડાની મદદથી પાણીમાંથી આઠ વર્ષીય માસૂમ બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો, પરંતુ કમનસીબે ત્યાં સુધીમાં બાળકનું મોત થઈ ચૂક્યું હતું.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 112 પોલીસ ટીમ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે માસૂમ બાળકના મૃતદેહનો કબજો મેળવીને તેને પાવી જેતપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડ્યો હતો. જ્યારે બીજી બાજુ, ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા આરોપી પિતા જયેશભાઈને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી. (સયાજી) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળનું કરૂણ પારિવારિક કારણ પણ સામે આવ્યું છે. મૃતક જયેશભાઈની પત્ની અંદાજે ચાર વર્ષ પહેલાં છૂટાછેડા લઈને કાયમી ધોરણે છોડીને જતી રહી હતી. દંપતિને એક પુત્ર અને એક પુત્રી સંતાન હતા. નાની દીકરી જયેશભાઈના માતા-પિતા સાથે કાઠિયાવાડમાં મજૂરી કામ અર્થે રહેતી હતી, જ્યારે નાનો પુત્ર પિતા સાથે સુસ્કાલ ગામમાં રહેતો હતો. પત્નીના વિયોગ, એકાંત અને પારિવારિક આર્થિક પરિસ્થિતિના કારણે જયેશભાઈ લાંબા સમયથી માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને આ આત્યંતિક તથા અમાનવીય પગલું ભરી બેઠા હતા. આ સમગ્ર મામલે પાવી જેતપુર પોલીસે પિતા જયેશભાઈ વિરુદ્ધ કલમો હેઠળ ગંભીર ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News