રમતગમત ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ભારત અને ગુજરાત માટે એક અત્યંત ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ આવી છે. ઈન્ટરનેશનલ વેઈટલિફ્ટિંગ ફેડરેશન (IWF) દ્વારા વર્ષ ૨૦૨૯ની પ્રતિષ્ઠિત 'વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ'ની યજમાની માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. આ નિર્ણય સાથે જ વિશ્વસ્તરીય રમતગમતના નકશા પર ગુજરાતનું નામ વધુ એકવાર રોશન થયું છે.
ગુજરાતની આ અભૂતપૂર્વ સફળતા અંગે રાજ્યના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરતાં સત્તાવાર જાહેરાત કરી છે. તેમણે લખ્યું છે કે, અમદાવાદ વર્ષ ૨૦૨૯ની 'વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ'નું આયોજન કરશે. કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫ અને એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૬ બાદ, હવે વિશ્વના શ્રેષ્ઠ વેઇટલિફ્ટરો પોતાના કૌશલ્યનો જાદુ બતાવવા ગુજરાતના આંગણે પધારશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ વર્ષ ૨૦૨૫માં કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ અને મે ૨૦૨૬માં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની સફળ યજમાની કર્યા બાદ, વિશ્વસ્તરીય ચેમ્પિયનશિપ મેળવીને ગુજરાતે સાબિત કરી દીધું છે કે તે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સનું એક નવું અને મજબૂત હબ બની રહ્યું છે. રાજ્યમાં રમતગમત માટે ઉપલબ્ધ વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓના કારણે જ વૈશ્વિક રમતગમત મંડળોનો ગુજરાત પ્રત્યે વિશ્વાસ સતત વધી રહ્યો છે.
વર્ષ ૨૦૨૯માં યોજાનારી આ મેગા ઇવેન્ટમાં વિશ્વભરમાંથી શ્રેષ્ઠ વજનઉંચાકકો (વેઇટલિફ્ટર્સ) ભાગ લેવા માટે અમદાવાદ આવશે. આ આયોજનથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતના સ્થાનિક ખેલાડીઓને મોટું પ્રોત્સાહન અને આંતરરાષ્ટ્રીય સ્તરનો અનુભવ મળશે. આ સાથે જ રાજ્યમાં રમતગમતના માળખાકીય વિકાસ અને સ્પોર્ટ્સ ટૂરિઝમને વધુ એક નવું બળ અને ઊંચાઈ મળશે.
ભારતીય વેઈટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવે જણાવ્યું કે, ભારતીય વેઈટલિફ્ટિંગ માટે આ એક મોટો દિવસ છે કારણ કે IWF વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલીવાર ભારતમાં આવી રહી છે અને તેનું આયોજન અમદાવાદમાં કરવામાં આવશે. રશિયા અને વેનેઝુએલાએ 2029 ચેમ્પિયનશિપ માટે જોરદાર દાવેદારી કરી હતી. IWF એક્ઝિક્યુટિવ બોર્ડે ભારતમાં વિશ્વાસ મૂક્યો છે. વધુમાં જણાવ્યું કે, 2029 IWF વર્લ્ડ ચેમ્પિયનશિપ ભારતમાં યોજાનારી 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાઇંગ ઇવેન્ટ પણ હશે. તે આપણા વેઇટલિફ્ટર્સને 2030 CWG માટે સ્થાન મેળવવાની સારી તક આપશે. રશિયાને 2030 IWF વર્લ્ડ ચેમ્પિયનશિપ આપવામાં આવી છે. જ્યારે વેનેઝુએલા IWF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કરશે.