અમદાવાદ શહેરમાં આઈપીએલ (IPL 2026) ફાઇનલનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ હોવા છતાં, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ક્રિકેટ રસિકોની હકડેઠ્ઠ જનમેદની ઉમટી પડી છે અને ચારેય તરફ અદભુત માહોલ જામ્યો છે. આ મહામુકાબલાને લઈને દર્શકોમાં ભારે રોમાંચ છે અને સ્ટેડિયમમાં પ્રવેશ મેળવવા માટે અત્યારથી જ ક્રિકેટ પ્રેમીઓ લાઈનો લગાવીને ઊભા રહી ગયા છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નંબર એક પાસે સવારથી જ મોટી સંખ્યામાં પ્રેક્ષકો પહોંચી ગયા છે. સત્તાવાર માહિતી અનુસાર, સ્ટેડિયમમાં તમામ દર્શકોને સાંજે ૪:૩૦ વાગ્યે પ્રવેશ આપવામાં આવશે, જેને પગલે સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત કરી દેવાઈ છે.
દિગ્ગજ ક્રિકેટરો અને રાજકીય નેતાઓનું આગમન
આ મહાફાઇનલ મેચના સાક્ષી બનવા માટે માત્ર બોલિવૂડ સેલેબ્સ જ નહીં, પરંતુ ક્રિકેટ જગતના દિગ્ગજો અને રાજકીય નેતાઓ પણ અમદાવાદ આવી પહોંચ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર અજિત અગરકર, પૂર્વ દિગ્ગજ ખેલાડી અને કોચ રવિ શાસ્ત્રી તેમજ દક્ષિણ આફ્રિકાના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન એબી ડી વિલિયર્સનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય આગમન થયું છે.
અનુરાગ ઠાકુરનું નિવેદન
ભાજપના સાંસદ અને પૂર્વ રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર પણ આ ફાઇનલ મેચ જોવા માટે ખાસ અમદાવાદ આવ્યા છે. એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, “આજે વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગની ફાઇનલ મેચ દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, જ્યાં આશરે ૧.૨૫ લાખ દર્શકો એકસાથે બેસી શકે છે, ત્યાં આ મેચ જોવી એ એક અનોખો અને યાદગાર અનુભવ રહેશે. અહીનો માહોલ અને ઉત્સાહ અદ્ભુત છે. જ્યારે બે સર્વશ્રેષ્ઠ ટીમો ટ્રોફી માટે આમને-સામને ટકરાશે, ત્યારે ફાઇનલ મેચ ચોક્કસપણે ધમાકેદાર રહેશે.”