BREAKING NEWS

સમાજને શર્મસાર કરતો બનાવઃ 13 વર્ષની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ; મંદિરે દર્શન કરવા જવાના બહાને બદકામ કર્યું

  • November 17, 2026 04:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમાજને શર્મસાર કરતો ઘૃણાસ્પદ બનાવ ગોંડલ પંથકમાં બનવા પામ્યો છે. અહીંના એક ગામમાં રહેતી 13 વર્ષની તરૂણીને કૌટુંબિક ભાઇએ રાત્રીના જગાવી મંદિરે દર્શન કરવા જવાના બહાને છકડો રીક્ષામાં બેસાડી મોરબી પંથકમાં લઇ ગયો હતો. અહીં આ નરાધમે તરૂણી સાથે બદકામ કર્યું હતું. બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે દુષ્કર્મ, પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


આ બનાવ અંગે પોલીસે પીડિતાના પિતાએ નોંધાવેલી ફરિયાદને ટાંકી આપેલી વિગતો મુજબ, ફરિયાદીએ આરોપી તરીકે મૂળ દાહોદના શખસનું નામ આપતાં ગોંડલ તાલુકા પોલીસે દુષ્કર્મ, અપહરણ, પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.


ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ મૂળ દાહોદના વતની છે અને હાલ પત્નિ અને 13 વર્ષ પાંચ મહિનાની સગીર પુત્રી સાથે ગોંડલ પંથકના એક ગામમાં રહી મજૂરી કામ કરે છે. આશરે દસ દિવસ પૂર્વે રાત્રીના સમયે તેઓ જમીને સુઈ ગયા હતા. ત્યારે પુત્રી પણ સાથે ઉંઘી ગઇ હતી. બાદ બીજા દિવસે સવારે જાગીને જોતા 13 વર્ષીય પુત્રી ક્યાંય મળી નહીં આવતા પરિજનોએ તરૂણીની શોધખોળ શરૂ કરી હતી પણ પુત્રીનો ક્યાંય પતો લાગ્યો ન હતો. બે દિવસ બાદ પુત્રી મળી આવતા પરિજનોએ કુનેહપૂર્વક પૂછપરછ કરતા તેણીએ આપવીતી જણાવતા પરિવારજનો ચોંકી ઉઠયા હતાં.


તરૂણીએ જણાવ્યું હતું કે, બનાવની રાત્રે તેણી ઘરે સૂતી હતી ત્યારે મોડી રાત્રીના સમયે કૌટુંબિક ભાઈ ચંદ્રા ધસી આવ્યો હતો. પિતરાઈએ તેણીને ઉંઘમાંથી જગાવી નજીકમાં આવેલા મંદિરે દર્શન કરવા જવાનું કહ્યું હતું. જેથી પિતરાઈની વાત પર વિશ્વાસ મૂકી તરૂણી તેની સાથે ગઈ હતી. કૌટુંબિક ભાઈ તેણીને છકડામાં બેસાડી મોરબી પંથકમાં લઇ ગયો હતો અને ત્યાં તેણીની મંજૂરી વિના કૌટુંબિક ભાઈએ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં નરાધમે તરુણીને રસ્તે રઝળતી મૂકી દેતા તેણી યેનકેન પ્રકારે ઘરે પહોંચી હતી.


દીકરીની આ વાત સાંભળી પરિવારજનો તાત્કાલિક ગોંડલ તાલુકા પોલીસ મથકે દોડી ગયો હતો અને ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલાની તપાસ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ જી.એસ. ગઢવીને સોંપવામાં આવી છે. પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application