આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફિલિપાઇન્સની મુલાકાતનો બીજો દિવસ છે. વડા પ્રધાને આજે મનીલામાં 23મા આસિયાન સમિટમાં હાજરી આપી હતી. પીએમ મોદી આજે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ મુલાકાત કરી હતી. ક્વાડ બેઠક આજે બપોરે 3:45 વાગ્યે મનીલામાં યોજાઈ હતી, ક્વાડની બેઠકમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે,આપણું ભવિષ્ય કોમ્પિટિશનથી નહીં, કોર્પોરેશનથી નક્કી કરવું જોઈએ.
વિશ્વને સૌથી વધુ શાંતિ અને સ્થિરતાની જરૂર
પીએમ મોદીએ કહ્યું, છેલ્લા કેટલાક વર્ષોમાં, વિશ્વએ શ્રેણીબદ્ધ કટોકટીનો સામનો કર્યો છે. આજે, વિશ્વને સૌથી વધુ જરૂર શાંતિ, સ્થિરતા અને આગાહીની છે. મને વિશ્વાસ છે કે આજની બેઠક આપણી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને સુરક્ષિત, સમાવિષ્ટ અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના નિર્માણમાં ફાળો આપશે.
ભારતની પ્રતિબદ્ધતા દ્રઢ છે અને રહેશે: મોદી
પીએમ મોદીએ કહ્યું, અમારું માનવું છે કે ભારતનો વિકાસ અને આસિયાનની સમૃદ્ધિ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. આવનારા સમયમાં, આસિયાન કોમ્યુનિટી વિઝન 2045 અને વિકસિત ભારત 2047 આપણી સહિયારી આકાંક્ષાઓને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. છેલ્લા 12 વર્ષોમાં, આપણે આપણી ભાગીદારીને નવી ગતિ આપી છે. હવે, સાથે મળીને, આપણે આપણા ક્ષેત્રના ભવિષ્યને નવી દિશા આપવાની છે. આ ભાગીદારીમાં, આસિયાનની એકતા અને કેન્દ્રિયતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા અટલ છે અને રહેશે.
પીએમ મોદીએ કહ્યું, ભારત અને આસિયાન મળીને વિશ્વની લગભગ એક ચતુર્થાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી, આપણું ભવિષ્ય સ્પર્ધા દ્વારા નહીં, પરંતુ સહકાર દ્વારા નક્કી થવું જોઈએ. આપણી પાસે તાકાત અને સંકલ્પ બંને છે. સાથે મળીને, આપણે આ ક્ષેત્રને શાંતિ અને સ્થિરતાનું પ્રતીક બનાવી શકીએ છીએ."
પીએમ મોદીએ કહ્યું, 2014થી, અમે લોકોથી લોકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે 100થી વધુ પહેલ શરૂ કરી છે. અમે લગભગ 250 ઝડપી અસરવાળા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે અને 10,000 ક્ષમતા નિર્માણ શિષ્યવૃત્તિઓ પ્રદાન કરી છે. આજે, ભારત અને આસિયાન દેશો વચ્ચે સીધી ફ્લાઇટ્સ અને વધતો પ્રવાસન પણ આપણી નિકટતાનો પુરાવો છે.
પીએમ મોદીએ કહ્યું, વર્ષોથી, અમારી એક્ટ ઇસ્ટ પોલિસીએ ભારતના આસિયાન સંબંધોને નવી ગતિ અને ઊંડાણ આપ્યું છે. અમારી ભાગીદારી હવે સહિયારી સંસ્કૃતિ અને વારસાથી આગળ વધી રહી છે અને ડિજિટલ, સંરક્ષણ અને અવકાશ જેવા ક્ષેત્રોમાં નવા પરિમાણો પ્રાપ્ત કરી રહી છે.
ક્વાડ બેઠકમાં દરિયાઈ સુરક્ષા, મહત્વપૂર્ણ ખનિજો અને સેમિકન્ડક્ટર્સના પુરવઠા માટે ચીન પર નિર્ભરતા ઘટાડવા, કૃત્રિમ બુદ્ધિમત્તામાં સહયોગ વધારવા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના દેશોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આબોહવા પરિવર્તન અને આરોગ્ય સુરક્ષા સંબંધિત પ્રોજેક્ટ્સને આગળ વધારવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
પીએમ મોદી સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગને મળ્યા
આસિયાન-ભારત સમિટ અને પૂર્વ એશિયા સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગને મળ્યા. NSA અજિત ડોભાલ અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રી પણ હાજર રહ્યા હતા.