વિંછીયાના આંકડીયાનો શખસે ફુલઝર ગામના યુવાન પાસેથી રૂપિયા ૨૦ હજારનું રૂ.૬.૭૦ લાખ વ્યાજ માંગી ખિસ્સામાંથી બળજબરીપૂર્વક રૂપીયા પડાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે યુવાને વિંછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે મનીલેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે જસદણના ફુલઝર ગામે ફોરેસ્ટ વિડીમાં રહેતા મુકેશભાઇ રવજીભાઇ ડેડાણીયા (ઉ.વ.૩૨) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પ્રદિપ કાઠી (રહે. આંકડીયા, વિંછીયા) નું નામ આપ્યું છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે મજુરીકામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. દસેક મહીના પહેલા તે મોઢુકા ગામે ખરીદી કરવા માટે ગયો ત્યારે બજારમાં મોઢુકા ગામનો નરેશભાઇ ઉર્ફે નુરી તાવીયા તેમનો મીત્ર હોય તેની સાથે આંકડીયા ગામના પ્રદિપભાઈ કાઠી દરબાર પણ હતાં. ત્યારે પ્રદિપ કાઠીએ કહેલ કે, તારે પૈસા જરૂર હોય તો મને કહેજે, હું ૧૦ ટકા વ્યાજે રકમ આપુ છું.
જે બાદ ફરીયાદીના પિતા રવજીભાઈ ડેડાણીયાના હાથે અકસ્માતમાં ઈજા થતા તેમની સારવાર માટે રૂપીયાની જરૂરત ઉભી થતાં પ્રદિપભાઇ કાઠી પાસેથી રૂ.૨૦ હજાર ૧૦ ટકા લેખે વ્યાજે લીધેલ હતા. બે માસનુ વ્યાજ રૂ.૪ હજાર આપ્યું હતું અને હજુ આઠ માસનુ વ્યાજ દેવાનુ બાકી હતુ. ગઇ તા.૧૯ ના સવારના તેને મોઢુકા ગામે સોમનાથ ચોકડી પાસે પ્રદિપ કાઠી મળ્યો હતો અને કહેલ કે, તારે મને રૂપીયા રૂ.૬.૭૦ લાખ દેવાના બાકી છે. જેથી તેને કહેલ કે, આટલા બધા રૂપીયા વ્યાજના ન થાય, તો આ પ્રદિપ ગાળો દેવા લાગેલ અને ધમકાવેલ કે, લાવ મારું વ્યાજ આપી દે, નહિ તો જાનથી મારી નાખીશ તેમ કહી શર્ટના ખીસ્સામાં રહેલ રૂ.૪ હજાર બળજબરીપૂર્વક કાઢી લઇ હજુ તારે રૂ.૬.૭૦ લાખ દેવા પડશે તેમ કહી પઠાણી ઉઘરાણી કરી હતી. જો તુ ફરીયાદ કરીશ તો સારાવટ નહિ રહે તેમ કહી પોતાની કાર લઈ નાસી છૂટ્યો હતો.વિંછીયાના આંકડીયાના શખસે ૨૦ હજારનું રૂ.૬.૭૦ લાખ વ્યાજ માંગ્યુ!બનાવ અંગે યુવાનની ફરીયાદ પરથી વિંછીયા પોલીસે ગુનો નોંધી આરોપી સામે મની લેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.