BREAKING NEWS

તહેવારો ટાણે લોકોના આરોગ્ય સાથે ખેલ: જુનાગઢમાં કલર-એસેન્સમાંથી બનતા નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ

  • October 25, 2026 06:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જૂનાગઢના મુખ્ય માર્કેટિંગ યાર્ડ પાસે લાંબા સમયથી ધમધમતી ‘જય ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ’ નામની ફેક્ટરી પર SOGની ટીમે અચાનક ઓચિંતી રેડ પાડી હતી. આ દરોડા દરમિયાન ફેક્ટરીમાં મોટા પાયે ચાલી રહેલા નકલી અને ભેળસેળવાળા ઘીના કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેનાથી સમગ્ર વેપારી આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે.

પોલીસ તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં તૈયાર નકલી ઘી તેમજ ઘી બનાવવા માટે વપરાતો શંકાસ્પદ રો-મટીરિયલ અને વિવિધ કલર-એસેન્સનો જથ્થો મળી આવ્યો હતો. SOGની ટીમે લાખો રૂપિયાની કિંમતનો આ શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તહેવારોની મોસમ નજીક આવી રહી છે ત્યારે બજારમાં વેચાણ માટે મોકલવામાં આવતા આ નકલી ઘીના જથ્થાને સમયસર પકડી પાડીને પોલીસે નાગરિકોના સ્વાસ્થ્ય માટે થનારો મોટો અનર્થ ટાળ્યો છે.

આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા ઘટનાસ્થળે પહોંચી જપ્ત કરેલા શંકાસ્પદ ઘીના નમૂનાઓ લઈને વધુ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ફેક્ટરી સામે વધુ કડક કાયદેસરનાં પગલાં ભરવામાં આવશે.

આરોગ્યના ભોગે આર્થિક ફાયદો કમાવતા મિલાવટખોરો સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. ફેક્ટરીના સંચાલકો આ નકલી ઘી કયા શહેરોમાં અને કયા વેપારીઓને સપ્લાય કરતા હતા તેમજ આ કૌભાંડમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે અંગે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. SOGની આ સફળ કામગીરીથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application