BREAKING NEWS

સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જઇ જૂનાગઢના શખસે દુષ્કર્મ આચર્યું

  • January 03, 2026 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
જસદણ પંથકની 17 વર્ષીય સગીરાને ઉઠાવી જઈ જૂનાગઢના શખસે દુષ્કર્મ આચરી તરછોડી દીધી હતી. બાદમાં સગીરાએ નારી સંરક્ષણ ગૃહનો આશરો લીધા બાદ પરિજનો સાથે સંપર્ક થતાં પરિવારજનો જૂનાગઢ ખાતે દોડી ગયા હતા ત્યારબાદ આ મામલે ફરિયાદ નોંધાવી હતી.


જસદણ પંથકમાં રહેતા સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જૂનાગઢના ભાવેશ તુલસીભાઇ રાઠોડનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. પુત્રીની ઉમર 17 વર્ષ છે. ગત તા.31/12/2025 ના રોજ તેમની સગીર પુત્રી ઘરેથી તેના નાના ભાઈને શાળાએ મુકવા જવા નીકળી હતી. બાદમાં સમય વીતી જતાં સગીરા ઘરે પરત નહીં આવતા પરિજનોએ શોધખોળ શરૂ કરી હતી પણ પુત્રીનો કોઈ પતો લાગ્યો ન હતો. પરિજનોએ ફરિયાદ નોંધાવવાને બદલે પોતાની રીતે જ પુત્રીની શોધખોળ યથાવત રાખી હતી. બાદ બે દિવસ પછી જૂનાગઢ નારી સંરક્ષણ ગૃહ ખાતેથી સગીરાના પિતાને ફોન આવ્યો હતો અને તેમની પુત્રી નારી સંરક્ષણ ગૃહ ખાતે હોવાનું જણાવતા પરિજનો તાત્કાલિક દોડી ગયા હતા.


પરિવારજનો નારી સંરક્ષણ ગૃહ ખાતેથી પુત્રીનો કબ્જો મેળવી ઘરે લઇ જવા રવાના થયાં હતા. ઘરે પહોંચ્યા બાદ સગીરા સાથે શું બન્યું હતું તેમ પરિવારજનોએ પૂછતાં તેણીએ જણાવ્યું હતું કે, ભાઈને શાળાએ મુકવા ગઈ ત્યારે અગાઉથી પરિચયમાં રહેલો જૂનાગઢનો ભાવેશ તુલસીભાઇ રાઠોડ ત્યાં ધસી આવ્યો હતો અને સગીરાને વાહનમાં બેસાડી જૂનાગઢ ખાતે લઇ ગયેલ હતો. ત્યાર બાદ આ શખસે પોત પ્રકાશી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તેણીને તરછોડી દેતા નારી સંરક્ષણ ગૃહમાં આશરો મેળવ્યો હતો.


સગીરાએ આપવીતી વર્ણવતા પિતા સહિતના પરિજનોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. બાદમાં સગીરાના પિતાએ જસદણ પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ આપતાં પોલીસે પોક્સો એક્ટ અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application