રાજકોટ શહેરમાં જિલ્લા પંચાયત ચોક પાસે નાથ કોમ્પ્લેક્સમાં આવેલી યશ બેંકમાં રાત્રીના આગ ભભૂકી ઉઠી હતી. આગની આ ઘટનાને લઇ અલગ અલગ ત્રણ ફાયર સ્ટેશનથી ત્રણ ફાયર ફાઈટરો અહીં દોડાવવામાં આવ્યા હતા. ફાયર વિભાગની ટીમોએ અંદાજિત દોઢ કલાક પાણીનો મારો ચલાવી આગ ઓલવી નાખી હતી. આગની આ ઘટનામાં બેંકમાં રહેલ ફર્નિચર,વાયરીંગ, કોમ્પ્યુટર, એ.સી અને બેંકના જરૂરી દસ્તાવેજો સહિતનો સામાન સળગીને ખાખ થઈ ગયો હતો. યશ બેંકની ઉપર જ એચડીએફસી બેંક આવેલી હોય ત્યાં સુધી આગ પ્રસરતા અટકાવવામાં આવી હતી. આગ ક્યાં કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી.
આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, શહેરના પંચાયત ચોક પાસે આવેલા નાથ કોમ્પ્લેક્સમાં પહેલા માળે આવેલી યશ બેંકમાં ગઈકાલ રાત્રીના પોણા બાર વાગ્યા આસપાસ આગ લાગી હતી. જે અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા મુખ્ય ફાયર સ્ટેશનથી ફાયરની ટીમ અહીં રવાના થઈ હતી. યશ બેંકમાં લાગેલી આગે થોડીવારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોય કાલાવડ રોડ ફાયર સ્ટેશન સહિત ત્રણ ફાયર ફાઈટર દ્વારા આગ ઓલવવાની કામગીરી કરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડના સ્ટાફે અંદાજિત દોઢ કલાક પાણીનો મારો ચલાવી રાત્રિના 1:20 કલાકે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં બેંકમાં એ.સી, કોમ્પ્યુટર અને અગત્યના દસ્તાવેજો સહિતનો સામાન સળગીને ખાખ થઈ ગયો હતો.
યશ બેંકની ઉપર જ એચડીએફસી બેંક આવેલી હોય અહીં સુધી આગ પ્રસરતા ફાયર વિભાગની ટીમે અટકાવી હતી. રાત્રિના આગની આ ઘટનાને લઇ બેંકના મેનેજર સાગર વિજયભાઈ કક્કડ અહીં દોડી આવ્યા હતા. આ ઉપરાંત એસીપી બી.જે.ચૌધરી સહિતનો પોલીસ સ્ટાફ પણ બનાવ સ્થળે પહોંચ્યો હતો. આગ ક્યાં કારણોસર લાગી હતી અને કેટલું નુકસાન થયું તેનો ચોક્કસ આંકડો હજુ સુધી જાણી શકાયો નથી.
આગમાં અગત્યના દસ્તાવેજ નોટ કાઉન્ટિંગ મશીન સળગી ગયું
જિલ્લા પંચાયત ચોકમાં આવેલી યશ બેંકમાં રાત્રિના ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે તાકીદે અહીં પહોંચી આગ બુઝાવાની કામગીરી કરી હતી. પરંતુ આગની આ ઘટનામાં બેંકમાં મોટું નુકસાન થયું હતું. જેમાં ફર્નિચર, ઈલેક્ટ્રીક વાયરીંગ, 15 કોમ્પ્યુટર, 8 ટેબલ તેમજ મહત્વના દસ્તાવેજો અને બે નોટ કાઉન્ટિંગ મશીન સળગી ગયા હતા.