BREAKING NEWS

અમદાવાદમાં સ્કૂલની બહાર વિદ્યાર્થીઓના ટોળાએ પટ્ટા, લાકડીથી ધો. 10ના છાત્રને ફટકાર્યો, ઘટના સીસીટીવીમાં કેદ

  • January 19, 2026 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવામાં શાળાઓમાં વિદ્યાર્થીઓ પર થતા હુમલા શિક્ષણ જગતમાં ચકચાર મચાવી દીધી છે. આજે ફરી આવી જ એક ઘટના શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી શાળામાં બની હતી. 
સોલા રોડ પરના ભૂયંગદેવ ચાર રસ્તા પાસે આવેલી નેશનલ સ્કૂલની બહાર ધોરણ દસમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થી અને તેના સાથીદારોએ પટ્ટા, લાકડી અને હાથમાં પહેરવાના કડા સાથે હુમલો કર્યો હતો. આ બનાવમાં ઘાયલ વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ભરબજારમાં થયેલા આ હુમલાને પગલે સ્થાનિકો અને વિદ્યાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.


પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ હુમલા પાછળ ચાર મહિના જૂની અદાવત જવાબદાર છે. શાળામાં જ ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ જૂની તકરારની અદાવત રાખીને આજે સવારે જ્યારે વિદ્યાર્થી શાળાએ પહોંચ્યો ત્યારે હુમલાખોર વિદ્યાર્થીએ અન્ય સાથીદારો સાથે મળીને તેના પર હુમલો કર્યો હતો. 


વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે વિદ્યાર્થીઓનું ટોળું એક વિદ્યાર્થીને લાકડી અને પટ્ટા વડે મારી રહ્યું છે. સ્કૂલની 100 મીટરના અંતરમાં જ વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં વિદ્યાર્થીને છરી મરી હોવાની માહિતી મળી હતી, પરંતુ સ્કૂલે આ વાતને નકારી કાઢી હતી. 


આ મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સ્કૂલની બહાર ધોરણ દસના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો. હાલમાં આ મામલે આગળની કાર્યવાહી ચાલી રહી છે.


ડીઇઓ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્કૂલમાં પરીક્ષા આપીને વિદ્યાર્થી બહાર આવ્યો, ત્યારે કેટલાક લોકોએ ભેગા મળીને હુમલો કર્યો હતો. બનાવની જાણ થતા તાત્કાલિક સ્કૂલના સંચાલક પાસેથી અહેવાલ મંગાવ્યો હતો. સ્કૂલના સંચાલકે આ અંગે પોલીસને જાણ કરી હતી અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે ખસેડ્યો હતો. વિદ્યાર્થીને હાલ પ્રાથમિક સારવાર આપીને ઘરે મોકલી દેવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application