BREAKING NEWS

નવ વર્ષના યુગનું સ્મિત બની રાજકોટ સિવિલ હોસ્પિટલ, સફળ પ્લાસ્ટિક સર્જરી કરી માસુમને નવજીવન આપ્યું

  • December 25, 2025 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ પીડીયું સિવિલ હોસ્પિટલ નવ વર્ષના યુગનું સ્મિત બની છે, દિવાળી પર્વે ફટાકડાથી ગંભીર રીતે દાઝેલા બાળકને પગમાં કુત્રિમ ચામડી અને શરીરની અન્ય ચામડીથી સર્જરી-સારવારથી સ્વસ્થ કરી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું. આ સમયે બાળક અને પરિવારના મુખે સ્મિત જોઈ પ્લાસ્ટિક સર્જરી વિભાગના તબીબો-સ્ટાફના મુખે પણ સફળ સારવારની મુસ્કાન જોવા મળી હતી.

ચામડી અંદર સુધી બળી ગઈ હતી

દિવાળીના ઉત્સાહભર્યા માહોલમાં રાજકોટના વેજાગામમાં રહેતા દિલીપભાઈના પરિવારમાં ઉદાસી છવાઈ ગઈ હતી. તેમના ૯ વર્ષના બાળક યુગના ખિસ્સામાં રાખેલા ફટાકડા અચાનક જ ફૂટવા લાગતા કમરના નીચેના ભાગે બંને પગ ગોઠણ સુધી દાજી ગયો હતો. વધુમાં ચામડી અંદર સુધી બળી ગઈ હોવાથી યુગ ચાલવાની અવસ્થા પણ ગુમાવી ચૂક્યો હતો યુગના પિતાએ દીકરાની પ્રારંભિક સારવાર ખાનગી હોસ્પિટલમાં લીધી, પરંતુ પરિસ્થિતિ વધારે ગંભીર હોઈ તેઓએ આગળની સારવાર માટે રાજકોટ સિવિલ પર ભરોસો રાખી યુગને બર્ન્સ વિભાગમાં દાખલ કર્યો. અહીં તેમને એક દિવસ પ્રાથમિક સારવાર બાદ પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં આગળની સારવાર માટે દાખલ કરાયો હતો.


યુગ હસતા હસતા ધીમા ડગલે આવજો..... કહેતા ચાલ્યો

સિવિલ અધિક્ષક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના હેડ ડો. મોનાલીબેન માકડીયાની ટીમની સર્જરીઓ, નિયમિત ડ્રેસિંગ અને બે માસની સંભાળ બાદ યુગને હવે સારું થતા રજા આપવામાં આવી છે. આ સમયે વોર્ડમાં ખુશીનો માહોલ છવાયેલો જોવા મળ્યો. યુગ હસતા હસતા ધીમા ડગલે આવજો..... કહેતા ચાલી રહ્યો હતો ત્યારે સ્ટાફના ચહેરા પર માનવીય સેવા કર્યાનો આનંદ સ્પષ્ટ દેખાતો હતો.


રૂટિન ડ્રેસિંગ બાદ હાલ ચામડીમાં રૂજ આવી ગઈ

પ્લાસ્ટિક સર્જરી વિભાગના રેસિડેન્ટ ડો. નિલેશ લાલવાણીએ બાળકની સારવાર અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, બાળકને ફટાકડાના લીધે લોઅર એબ્ડોમેન, ઘૂંટણ સુધી બંને પગ અને પ્રાયવેટ પાર્ટમાં ડીપ બર્ન્સ થયું હતું, પ્રારંભિક સારવાર બાદ તેના પગ પર દાજી ગયેલા ભાગમાં સૌપ્રથમ કૃત્રિમ ચામડી અને ત્યારબાદ શરીરના અન્ય ભાગમાંથી ચામડી લઈ સર્જરી કરવામાં આવી છે. રૂટિન ડ્રેસિંગ બાદ હાલ ચામડીમાં રૂજ આવી ગઈ છે. હવે બાળક સારી રીતે ચાલી શકે છે. જેથી તેને રજા આપવામાં આવી છે. જો કે હજુ તેને સંપૂર્ણ સ્વસ્થ થતા થોડો સમય લાગશે. તેને ફિઝિયોથેરાપી પણ લેવી પડશે, તેમ અંતમાં ઉમેર્યું હતું.


૯ જેટલા દાજી ગયેલા બાળકોની હાલ સઘન સારવાર

સિવિલ સુપ્રિટેન્ડેન્ટ અને બર્ન્સ-પ્લાસ્ટિક વિભાગના એચઓડી ડો. મોનાલીબેન માકડિયાના માર્ગદર્શનમાં પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં ૯ જેટલા દાજી ગયેલા બાળકોની હાલ સઘન સારવાર ચાલી રહી છે. માત્ર રાજકોટ જ નહિ પણ આખા સૌરાષ્ટ્રના જરૂરિયાતમંદ દર્દીઓને શ્રેષ્ઠ સારવારનો વિકલ્પ પૂરો પાડી રહેલી રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલ આરોગ્ય ક્ષેત્રે અગ્રિમ ભૂમિકા ભજવી રહી છે.


તબીબો-સ્ટાફની મહેનતથી આજે પુત્ર ચાલી શકે છે: દિલીપભાઈ

યુગનાં પિતા દિલીપભાઈ કલોલાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, શરૂઆતમાં અમારા બાળકની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. અહીંના ડોક્ટરો અને સ્ટાફે જે રીતે સારવાર કરી તે અવિસ્મરણીય છે. અહીંના ડોક્ટર્સ અને સેવાભાવી સ્ટાફની મહેનતનાં કારણે અમારા બાળકને હવે સારું છે. આજે મારું બાળક ફરી ચાલી શકે છે. તેમના માતા જણાવે છે કે, અમે જ્યારે અહીં દાખલ થયેલા ત્યારે યુગના પગમાં ઇન્ફેક્શન થઇ ગયું હતું. પરંતુ અહીંનાં ડોક્ટર્સની ટીમે ખૂબ સારી સારવાર કરી મારા બાળકના બંને પગ પ્લાસ્ટિક સર્જરીથી સાજા કરી આપ્યા છે. પરિવારે આ તમામ સારવાર નિઃશુલ્ક રીતે પૂરી પાડવા બદલ રાજ્ય સરકારનો આ તકે ખાસ આભાર માન્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News