જેતપુરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા યુવકને અશ્વિન વેગડા નામના હદપાર કરાયેલા શખસે પત્નીની નજર સામે જ હાથમાં પહેરવાના કડા વડે મારમાર્યો હતો. યવાને અગાઉ કરેલી ફરીયાદનો ખાર રાખી હુમલો કરવામાં આવતા જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. પોલીસે આ શખસની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે જેતપુરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા જગદીશભાઈ પુંજાભાઈ પારઘી(ઉ.વ.૨૪) એ જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાદર સામા કાંઠા વિસ્તારમાં રહેતા અશ્વિન વિનુભાઈ વેગડાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે તા.5-01-2026 ના રોજ બપોરના આશરે સવા ત્રણ વાગ્યે યુવાન તથા પત્ની અને નાનો દીકરો શિવમ ત્રણેય બાઇક લઈ ગેસનો બાટલો ભરવા જતા હતા. દરમિયાન નરસંગ ટેકરી રોડ પર આવેલ ભાદર નદીના પુલના છેડે ધાબી પાસે પહોંચતા યુવાનના પુત્ર શિવમને વાળ કપાવાના હોય જેથી ત્યાં ધાબી પાસે શિવમને ઉતાર્યો હતો.
દરમિયાન અશ્વિન વિનુભાઈ વેગડા યુવાન પાસે આવી જુના કેસ બાબતનો ખાર રાખી ગાળો લાગેલ હતો અને શરીરે ઢીકાપાટુનો મારમાર્યો હતો. બાદમાં તેણે પોતાના હાથમાં પહેરેલ કડુ ડાબી આંખના નેણના ઉપરના ભાગે માર્યું હતું જેથી લોહી નીકળવા લાગેલું હતું. બાદમાં તે નાસી જતાં યુવાન સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે દાખલ થયો હતો. જયા તેને ડાબી આંખના નેણના ઉપરના ભાગે ત્રણ ટાંકા આવ્યા હતા.
સારવાર લીધા બાદ યુવકે ફરિયાદ નોંધાવતા બનાવનું કારણ આપતાં જણાવ્યું હતું કે, આશરે પાંચેક મહિના પહેલા તેણે અશ્વિન વિનુભાઈ વેગડા વિરુદ્ધ ફરિયાદ કરેલી હતી. જે બાબતનો ખાર રાખી માર માર્યો હતો. જેથી ઉદ્યોગનગર પોલીસ મથકના પીઆઇ ડો.એમ.એમ.ઠાકોરની રાહબરીમાં પીએસઆઇ એલ.ડી.મેતા તથા ટીમે તપાસ હાથ ધરી આરોપી અશ્ર્વિન વિનુભાઇ વેગડા( રહે. જેતપુર દેરડી રોડ જન મંગલ સોસાયટી) ને ઝડપી લીધો હતો. આરોપીને હદપાર કરવામાં આવ્યો હોય છતા તેનો ભંગ કરી જેતપુરમાં આવી મારામારી કરી હોય આ અંગે અલગથી ગુનો નોંધ્યો હતો.