BREAKING NEWS

ચંબલના ડાકુ પાનસિંહ તોમરનો સંબંધી અમદાવાદમાં ઝડપાયો, એમપીમાં 6 લોકોને ગોળી ધરબી મોતને ઘાટ ઉતારી ફરાર હતો

  • October 12, 2026 04:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચંબલના કુખ્યાત ડાકુ પાનસિંહ તોમરના પારિવારિક સભ્ય અને મધ્યપ્રદેશના ચકચારી ૬ હત્યાકાંડના વોન્ટેડ આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. મધ્યપ્રદેશમાં જમીનના વિવાદને કારણે ભરી બંદૂકે એક જ પરિવારના ત્રણ મહિલાઓ અને ત્રણ પુરુષો સહિત છ લોકોની નિર્દયતાપૂર્વક હત્યા કરનાર આ ખૂંખાર આરોપી છેલ્લા ત્રણ વર્ષથી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે હરિયાણામાં સાત દિવસ સુધી સતત સ્પેશિયલ ઓપરેશન ચલાવીને પાનસિંહ તોમરના સંબંધી રામસિંહ ધીરસિંહ તોમરને દબોચી લીધો છે.

મધ્યપ્રદેશના ચંબલ વિસ્તારના મુરેના જિલ્લાના લેપા ગામે વર્ષોથી બે પરિવારો વચ્ચે જમીનને લઈને જૂનો વિવાદ ચાલી રહ્યો હતો. ૫ મે ૨૦૨૩ના રોજ રણજીતસિંહ મુન્નેસિંહ તોમરના પરિવારની એક દીકરીના લગ્ન પ્રસંગ હોવાથી પરિવારના સભ્યો લેપા ગામે આવ્યા હતા. તે જ સમયે વિરોધી જૂથના આરોપી રામસિંહ ધીરસિંહ તોમર અને તેના પરિવારના સભ્યોએ ઘાત લગાવીને અચાનક બંદૂકો સાથે હુમલો કરી દીધો હતો.


આ અંધાધૂંધ ગોળીબારમાં રણજીતસિંહના પરિવારના ત્રણ મહિલાઓ અને ત્રણ પુરુષો સહિત કુલ છ લોકો ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા. આ ગોળીબારમાં પિતા ગજેન્દ્રસિંગ બદલુસિંગ તોમર, તેમના બે પુત્રો સત્યપ્રકાશસિંગ ગજેન્દ્રસિંગ તોમર અને સંજુસિંગ ગજેન્દ્રસિંગ તોમર તેમજ પુત્રવધૂઓ મધુદેવી સુનિલસિંહ તોમર, બબલી દેવી નરેન્દ્રસિંગ તોમર અને કેશકલીદેવી વિરેન્દ્રસિંગ તોમરના કરુણ મોત નીપજ્યા હતા.

૧૦ વર્ષ જૂના બદલાની આગમાં રચાયું હતું કાવતરું

આ ભયાનક હત્યાકાંડ બાદ સિહોનિયા પોલીસ સ્ટેશનમાં કુલ ૯ આરોપીઓ વિરુદ્ધ હત્યા અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તમામ આરોપીઓ પર ૩૦-૩૦ હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આ હત્યાકાંડ કોઈ અચાનક થયેલી બબાલનું પરિણામ નહોતું, પરંતુ ૧૦ વર્ષ જૂના બદલાની આગનું પરિણામ હતું. લેપા ગામે જ વર્ષ ૨૦૧૩માં જમીન વિવાદને કારણે હાલના પકડાયેલા આરોપી રામસિંહ તોમરના કાકા વિરભાણસિંહ અને મોટા કાકા શોભરણસિંહની હત્યા રણજીતસિંહ તોમરના પરિવારે કરી હતી. આ હત્યાનો બદલો લેવા માટે રામસિંહ અને તેનો ભાઈ છેલ્લા એક દાયકાથી યોગ્ય તકની રાહ જોઈ રહ્યા હતા અને જ્યારે રણજીતસિંહનો પરિવાર લગ્ન પ્રસંગે ગામમાં આવ્યો ત્યારે રામસિંહે ગોળીઓ વરસાવીને પોતાના કાકાની હત્યાનો બદલો લીધો હતો.

હરિયાણામાં વેશપલટો કરીને છુપાયેલો હતો આરોપી

છ લોકોની નિર્દયતાપૂર્વક હત્યા કર્યા બાદ આરોપી રામસિંહ ધીરસિંહ તોમર સતત ફરાર રહેતો હતો. તે પોતાની ઓળખ છુપાવવા માટે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને હરિયાણા જેવા રાજ્યોમાં જઈને સિક્યુરિટી ગાર્ડ અને સામાન્ય મજૂર તરીકે કામ કરીને છુપાઈને જીવન ગુજારતો હતો.

દરમિયાન અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે આ ખૂંખાર આરોપી હાલ હરિયાણાના ગુરુગ્રામ સ્થિત ગોપાલપુર GIDC વિસ્તારના એક વેરહાઉસમાં નોકરી કરી રહ્યો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ તાત્કાલિક ગુરુગ્રામ રવાના થઈ હતી. ગઢી-હરસરુ રોડ પર સાવચેતીપૂર્વક વોચ ગોઠવીને પોલીસકર્મીઓએ શ્રમિક અને સ્થાનિક નાગરિકોનો વેશપલટો કરીને આરોપી રામસિંહ તોમરને સફળતાપૂર્વક દબોચી લીધો હતો.


પાનસિંહ તોમર સાથેનું કનેક્શન અને ગુનાહિત ઇતિહાસ

મુરેના હત્યાકાંડના આ આરોપીનું કુખ્યાત ડાકુ પાનસિંહ તોમર સાથે પણ પારિવારિક કનેક્શન સામે આવ્યું છે, અને પકડાયેલો આરોપી પોતે પાનસિંહ તોમરનો સંબંધી હોવાનો દાવો કરી રહ્યો છે. પકડાયેલા આરોપી રામસિંહ તોમરનો અગાઉથી જ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે, જેની સામે મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના ગોરમી પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ગુનો નોંધાયેલો હતો.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૨માં કુખ્યાત ડાકુ પાનસિંહ તોમરના જીવન પર આધારિત 'પાન સિંહ તોમર' નામથી બોલિવૂડ ફિલ્મ પણ બની ચૂકી છે. પાનસિંહ તોમર ભીડોસા ગામના વતની હતા, જે લેપા ગામની બિલકુલ નજીક આવેલું છે. તે સમયમાં પાનસિંહ તોમરનો પણ ગામલોકો સાથે જમીન અંગેનો વિવાદ થયો હતો, જેના કારણે તે ડાકુ બન્યા હતા. રસપ્રદ બાબત એ છે કે આ બંને ગામો સંયુક્ત રીતે લેપા-ભિડોસા તરીકે ઓળખાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application