BREAKING NEWS

રાજકોટ બાળ આરોપી ક્રૂરતા કાંડમાં દોષનો ટોપલો સફાઈ કામદારે ઓઢી લીધો!

  • October 08, 2025 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકમાં બાળ આરોપી ઉપર પોલીસ મથકમાં ક્રૂરતા આચરવાના કાંડે ક્યારેય ન ભૂલી શકાય તેવો કાળો ડાઘ લગાડ્યા બાદ પણ પોલીસે કરેલ ભૂલ સુધારવાના બદલે જાણે આ પ્રકરણ માં પોલીસ દુધે ધોયેલી હોય તેમ તપાસને બીજી દિશામાં ડાયવર્ડ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કહેવત છે કે સમર્થ કહો ના દોષ ગુસાઇ તે મુજબ સક્ષમ અધિકારીઓને બચાવવા પ્રયાસ થઇ રહ્યા નું નજરે પડી રહ્યું છે અને આ સમગ્ર દોષનો ટોપલો સફાઈ કર્મચારી એ જાણે સ્વેચ્છાએ માથે ઓઢી લીધો હોય તેવું નિવેદન આપતા આપ્રકરણએ વધુ ચકચાર જગાવી છે.


પોલીસ સુત્રો માંથી મળતી વિગતો મુજબ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં 31 ઓગસ્ટના મિત્રો વચ્ચેના ઝઘડામાં યુવક પર ફરીથી હુમલો કરવાના કેસમાં ચાર બાળ આરોપી સામે ગુનો દાખલ કરી ગાંધીગ્રામ પોલીસે નૂરાનીપરામાં રહેતા એક બાળ આરોપીને ઉઠાવી લીધો હતો.


પોલીસે આરોપી હોય તેની સાથે કડકાઇથી જ કામ લેવાનું હોય પરંતુ આ પ્રકરણમાં પોલીસે ખરેખર ભૂલ કરી જ છે પરંતુ તે સ્વીકારવું ખૂબ અઘરું છે ત્યારે બાળ આરોપીને પોલીસ મથકના ડિસ્ટાફ રૂમમાં ટોર્ચરીગ કરી સફાઈ કામદાર પાસે જીવતા વાળ ખેંચાવી પોલીસમેને વિડિયો ઉતાર્યો હતો અને તે વિડિયો વાયરલ થયા બાદ આ પ્રકરણમાં બે પોલીસમેનને જવાબદાર ગણી બંનેની બદલી કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ પ્રદીપ ડાંગર નામના પોલીસમેનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.


આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં પીડીત આરોપીના દાદીની ફરિયાદ પરથી પોલીસમેન પ્રદીપ ડાંગર અને સફાઈ કામદાર શૈલેષ ચૌહાણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ શૈલેષ ચૌહાણની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જ્યારે પોલીસમેન પ્રદીપ ડાંગર પોલીસ પકડથી હજુ દૂર છે!.


તો બીજી તરફ ભોગ બનનાર બાળ આરોપીના દાદી નજુબેન સતારભાઈ કાલાવડીયાએ એસીપી રાધિકા ભારાઈ એ બાળ આરોપીની હેર સ્ટાઈલ ખેચી કાઢો અને સાલાને ઠોકો તેવા આદેશ કર્યાનો અને આ અંગે કોઈને વાત કરીશ તો રાજકોટમાં રહેવા જેવો નહીં રહેવા દે તેવી પોલીસમેને ધમકીઓ આપ્યાનો અરજીમાં નામજોગ ઉલ્લેખ કરી પોલીસ કમિશનરને લેખિત અરજી કરી વડાપ્રધાન, ગૃહમંત્રી, ફરિયાદ નિવારણ સેલ ગાંધીનગર, ગૃહ મંત્રી અને રાજ્યના પોલીસવડા સહિતનાઓને નકલ રવાના કરી છે.


ત્યારે બીજી તરફ ગાંધીગ્રામ પોલીસ મથકમાં સફાઈ કામદાર શૈલેષ ચૌહાણ અને પોલીસમેન પ્રદીપ ડાંગર સામે ગુનો દાખલ કરી દીધા બાદ આરોપી એવા શૈલેષ ચૌહાણની પોલીસે ધરપકડ કરી લીધી હતી અને તેનું નિવેદન નોંધતા સફાઈ કામદારે ચોકાવનારું નિવેદન લખાવ્યું હતું કે પોતાના ઘર અને વિસ્તારમાં આરોપી દાદાગીરી કરતો હોય જેના કારણે તેના પર ગુસ્સો હોય પોતે વાળ ખેંચ્યાનું નિવેદન નોંધાવ્યું હતું.


આરોપી શૈલેષ ચૌહાણ લખાવેલ નિવેદન પરથી એટલું તો જરૂર કહી શકાય કે શૈલેષે કોઈપણ રીતે આ કાંડનો દોષનો ટોપલો પોતાના પર ઓઢી લીધો છે બાકી પોલીસ મથકમાં પોલીસની હાજરીમાં કોઈ બહારની વ્યક્તિ આ રીતે કાંડ કરવાની હિંમત તો દૂર રહી વિચાર પણ કરી ન શકે પરંતુ આ પ્રકરણમાં "સમરથ કો ના દોષ ગુસાઇ" કહેવત સાર્થક થઈ રહી હોય તેવું સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application