જસદણના યુવાન ખેડૂત સાથે રાજકોટના માધાપર ચોકડી પાસે રહેતાં મિત્ર પાસેથી લીધેલ સ્વીફ્ટ કાર પોતે જ ભાડે ચલાવવાના બહાને લઈ ગયો બાદમાં પરત ન આપી રૂ.૩ લાખની છેતરપિંડી કરી હતી. જે અંગે યુવાને જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે જસદણમાં પોલારપર રોડ પર હુડકો સોસાયટીમાં રહેતાં રાજવીરભાઇ વલકુભાઈ ધાધલ (ઉ.વ.૩૧) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વસીમ યુનુસ સિપાઈ (રહે. શેઠ નગર, માધાપર ચોકડી, રાજકોટ) નું નામ આપ્યું છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે ખેતીકામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. આશરે દશેક મહીના પહેલા તેમના મિત્ર વસીમ સિપાઈ (પઠાણ) તેમની કાર વેચવી હોય જેથી તેમની સ્વીફટ કાર નં.જીજે -03-એચકે-0150 લઇને જસદણ ખાતે આવેલ અને વીંછિયા રોડ પર હીરોના શો રૂમ પાસે આ ગાડી લેવા માટે સોદો નક્કી થતા ગાડીની કિંમત રૂ.૩ લાખ નક્કી કરેલ હતી. જેથી યુવકે આ વસીમને રોકડા રૂ.૩૦ હજાર આપ્યા હતા. બીજા બાકી રહેતા પૈસાની યુવકે ઇન્ડોસ્ટાર કેપીટલ ફાઇનાન્સ રાજકોટ ખાતેથી રૂ.૨,૮૩,૪૧૦ ની લોન કરી હતી.જે પૈસા વસીમના ખાતામાં નાખ્યા હતા. ગાડી યુવકના નામે કરાવવા માટેની પ્રોસેસ કરી હતી બાદ વસીમે કહ્યું હતું કે, હાલ મારી આ ગાડી બહાર ગઈ છે. જે ગાડી આવે એટલે ગાડી તમને સોપી આપીશ, તેમજ કહ્યું કે, હું આ તમારી ગાડી ચલાવુ અને દર મહીને લોનનો હપ્તો ભરી દઇશ, જેથી વસીમ દર મહીને રૂ. ૯૦૫૦ હપ્તા એવા ૭ થી ૮ હપ્તા તેમણે ભર્યા હતા. બાદ યુવકને ગાડીની જરૂરીયાત ઉભી થતા ગાડી માટે વસીમને ફોન કરતા વાયદા ઉપર વાયદા કરવા લાગ્યો હતો. જેથી આ વસીમ પઠાણ યુવકની કાર લઇ ગયેલ બાદ આજદિન સુધી પરત ના આપી રૂ. ત્રણ લાખની છેતરપિંડી કરતાં ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી ગઠિયાની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application