અમદાવાદ શહેરના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં અંદર આવેલા ઇલેક્ટ્રિક રૂમમાં ઉત્તર પ્રદેશના ૩૮ વર્ષીય એક યુવકે પેન્ટથી પંખે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવકની ઓળખ રાજુ રામનક્ષત્રા (ઉં.વ. ૩૮, મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ) તરીકે થઈ છે. આ યુવક રોજીરોટી અર્થે જામનગરમાં રહેતો હતો અને ત્યાંથી પોતાના વતન ઉત્તર પ્રદેશ જવા માટે ટ્રેનમાં નીકળ્યો હતો. મુસાફરી દરમિયાન તે અમદાવાદના અસારવા રેલવે સ્ટેશન પર ઉતરી ગયો હતો. આગળની સફર ચાલુ રાખવા માટે તેની પાસે પૂરતા નાણાં ન હોવાથી તેમજ પગાર સંબંધી મૂંઝવણને કારણે તે ભારે માનસિક તણાવમાં હતો.
આર્થિક ભીંસ અને પરેશાનીને કારણે યુવકે પોતે જ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસ પાસે મદદ માંગી હતી. આ કોલના આધારે શહેરકોટડા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સક્રિય થઈ હતી અને યુવકને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશને લઈ આવી હતી. પોલીસે માનવતા દાખવીને યુવકના પરિવારજનો તથા સગા-સંબંધીઓનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. પરિવારે સવારે નાણાં ઓનલાઈન મોકલી આપવાની ખાતરી પણ આપી હતી. મોડી રાત્રે ભારે વરસાદ વરસી રહ્યો હોવાથી પોલીસે તેને સવાર સુધી પોલીસ સ્ટેશનમાં રોકાઈને આરામ કરવા સલાહ આપી હતી.
આ સમગ્ર મામલે શહેરકોટડા પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું કે, રાજુને પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડ ફ્લોર પર બેસાડવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ બાદ પરિવાર સાથે વાત કરાવાઈ હતી. ઇન્ચાર્જ અધિકારી ઉપરના માળે સ્ટેશન ડાયરીમાં નોંધ કરવા ગયા તે દરમિયાન યુવક નીચે જ બેઠો હતો. યુવક ચાલીને ઇલેક્ટ્રિક રૂમમાં ગયો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. વહેલી સવાર સુધી દરવાજો ન ખુલતા દરવાજો તોડીને જોવામાં આવ્યું ત્યારે તેણે આપઘાત કર્યો હોવાનું જણાયું હતું. સીસીટીવી ફૂટેજમાં પણ યુવક જાતે ચાલીને ઇલેક્ટ્રિક રૂમમાં જતો નજરે પડે છે. પોલીસે આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે અને પરિવારને પણ જાણ કરી દીધી છે.