નવાગઢ ચોકડી પાસે પાણીના ટેન્કર નીચે કચડાઇ જતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત
નવાગઢ ચોકડી પાસે પાણીના ટેન્કર નીચે કચડાઇ જતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત
July 29, 2026 10:16 AM
જેતપુર શહેરમાં વધુ એક જીવલેણ માર્ગ અકસ્માતની ઘટના બની છે. આજે સવારે નવાગઢ ચોકડી પાસે આવેલા સરધારપુર દરવાજા નજીકના સર્વિસ રોડ પર પાણીના એક કાળમુખા ટેન્કરે એક્ટિવા ચાલક યુવાનને અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં ટેન્કરના પાછલા વ્હીલ નીચે યુવાનનું માથું ચગદાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવને લઇ યુવાનના પરિવારમાં માતમ છવાય ગયો હતો. અકસ્માતના બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુરના નવાગઢમાં પટેલ ચોક ખાતે રહેતા રવિન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ ભાયાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, સવારે દશેક વાગ્યાના અરસામાં તેમના મોટાભાઈ હીરેનભાઈ વિઠ્ઠલભાઈ ભાયાણી (ઉ.વ. આશરે ૩૫) એક્ટિવા નં. GJ-03-EP-6659 લઈને ખાલી બાટલો ભરાવવા માટે ઘરેથી નીકળ્યા હતા. નવાગઢ ચોકડીથી સરધારપુર દરવાજા તરફ જતા સર્વિસ રોડ પરથી પસાર થતી વખતે પાછળથી પૂરપાટ ઝડપે અને બેફિકરાઈથી ધસી આવેલા એક પાણીના ટેન્કરે તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે હીરેનભાઈ સીધા ટેન્કરના પાછળના ટાયર (જોટા) નીચે આવી ગયા હતા. ભારેખમ ટેન્કરના પૈડા યુવાનના માથા અને મોઢા પર ફરી વળતા લોહીલુહાણ હાલતમાં હીરેનભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવને લઇ ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતાં. સ્થિતિ પામી જઇ ટેન્કર ચાલક વાહન રેઢુ મૂકી નાસી ગયો હતો.બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી.અકસ્માતમાં મોતને ભેટનાર મૃતક હીરેનભાઈ પરિણીત હતા અને તેમને સંતાનમાં એક ૪ વર્ષનો પુત્ર છે.બનાવને લઇ પરિવારમાં કાળો કલ્પાંત છવાય ગયો હતો.હાલ ઉદ્યોગનગર પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ કલમ ૧૦૬(૧), ૨૮૧ અને મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.