રાજકોટમાં બેફામ કાર ચલાવી ટુ-વ્હીલરોને ઉલાળવાની ઘટનાઓમાં વધારો થયો છે. બે દિવસ પહેલા એક્ટિવા પર સવાર માતા-પુત્રીને હોન્ડાસિટીના મહિલા ચાલકે ઉલાળ્યા હતા. જેમાં ગઈકાલે સારવાર દરમિયાન 15 વર્ષીય પુત્રીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી હાહાકાર મચી ગયો છે. ત્યારે ગત રાત્રે વધુ એક અકસ્માતમાં યુવકે પોતોના જીવ ખોયો છે. જેમાં BMWના ચાલકે બેફામ કાર ચલાવી ટુ-વ્હીલરને ઉડાડ્યું હતું. જેમાં યુવક 10 ફૂટ ઉછળી 50 ફૂટ સુધી રસ્તા પર ફંગોળાયો હતો. જેમાં યુવકનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બીએમડબલ્યુ કારની સ્પીડ કેટલી હતી.
મૃતકની ઓળખ અભિષેક નાથાણી તરીકે થઈમળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રે કાલાવડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલ નજીક પૂરપાટ ઝડપે BMW કારના ચાલકે ટુ-વ્હીલર ચાલક અભિષેક નાથાણીને અડફેટે લેતા મોત નીપજ્યું છે. બનાવની જાણ થતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
ટૂ-વ્હીલરનો કચ્ચરઘાણ વળી ગયો
મોડીરાતના કાલાવડ રોડ પરના ક્રિસ્ટલ મોલ નજીક પૂરપાટ ઝડપે જીજે.03.એનબી.7301 નંબરની કાળા કલરની BMW કારના ચાલકે ટૂ-વ્હીલર ચાલક અભિષેકને અડફેટે લીધો હતો. કારની જોરદાર ટક્કરથી અભિષેકને રસ્તા પર ફંગોળાતા ગંભીર ઈજા થતાં સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં BMW કારનો આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. તો ટૂ-વ્હીલરનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવની જાણ થતા 108ને થતાં સ્ટાફે આવી યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો અને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

રાજકોટમાં અકસ્માતથી ચાર દિવસમાં ચાર લોકોના મોત
પોલીસે સ્થળ પર આવી તપાસ કરતા મૃતક ટૂ-વ્હીલર ચાલક યુવકનું નામ અભિષેક નાથાણી હોવાનું સામે આવ્યું હતું. આ પછી પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કારચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં છેલ્લા ચાર દિવસમાં ચાર લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં બે યુવાન, એક તરુણ અને એક તરુણીનું મોત નીપજ્યું હતું.