BREAKING NEWS

ભાવનગરમાં રાત્રે ત્રણ માળનું મકાન ધરાશાયી, યુવાનનું દબાઈ જતા મોત, બેને ઈજા

  • October 14, 2025 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગરમાં મોડીરાત્રે ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. જેમાં એક યુવાનનું મોત થયાનું સામે આવ્યું છે. મકાન ધરાશાયી થતા જ આજુબાજુમાં રહેતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 


મળતી માહિતી મુજબ, આનંદનગર વિસ્તારમાં બસસ્ટેન્ડ પાસે હાઉસીંગ બોર્ડ વસાહતનું ત્રણ માળનું જર્જરીત મકાન મોડીરાત્રે ધડાકા સાથે તૂટી પડયુ હતું. ઘટના બાદ ધૂળની ડમરી ઊડતા લોકો ગભરાટના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ઘટનામાં સવજીભાઈ બારૈયા અને વસંતબેનને ઈજા થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. ફાયરબ્રિગેડ, ત્રણ જેસીબીનો કાફલો પહોંચી કાટમાળને હટાવવાની કામગીરીમાં જોડાયો હતો.


સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, મોડીરાત્રે અચાનક ભારે મોટો ધડાકો થયો અને ધૂળની ડમરી ઊડવા લાગી એટલે ભૂકંપ આવ્યો એવી બીક લાગી પણ લાઈટ કરીને જોયુ તો અમારી બાજુનું જ મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી થયુ હતું. એટલે તુરંત જ અમે ત્યાં દોડયા ત્યારે ‘એ ભાઈ... એ ભાઈ મને બચાવો મને બચાવો’નો અવાજ સંભળાતો હતો એટલે અમે ત્યાં પહોંચી જોયુ તો લાકડામાં કોઈનો પગ સલવાયો હતો એટલે અમે લાકડુ કાપી પગ છૂટો કરી એ ભાઈને બહાર ખેંચી કાઢ્યા હતા જે સવજીભાઈ હતા.


અન્ય એક સ્થાનિકે જણાવ્યું હતું કે, કાટમાળમાં ફસાયેલા કરણ સાથે મોબાઈલ પર સંપર્ક થતા તંત્રને તેને બચાવી લેવાની આશા હતી પણ 18 મિનિટ સુધી તેની સાથે વાત થયા બાદ અચાનક અવાજ બંધ થઈ ગયો. મોબાઈલ સ્વીચ ઓફ થયો હશે તેવુ માનતા હતા પણ રાત્રે 1:50 વાગ્યે કરણને કાટમાળમાંથી કાઢી હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. તળાજાના સરતાનપર બંદરેથી મજુરી માટે ત્રણ માસથી જ ભાવનગર આવેલા આ પરિવારના મોભી સવજીભાઈને ઈજા થતા હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે

દુર્ઘટના સ્થળે હાજર ઉચ્ચ અધિકારીઓ જિલ્લા કલેકટર મનીષ કુમાર બંસલ, કમિશનર મીના, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન રાજુ રાબડીયા, કુમાર શાહ, દિવ્યેશ સોલંકી, જીતુ સોલંકી, વગેરે હોસ્પિટલ પહોચ્યા હતા. ત્યાં લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે જેસીબી પણ તંત્રએ નહીં અમે મંગાવ્યા અને તંત્રની ઘોર બેદરકારી છે. તેમ કહી દેકારો કર્યો હતો.આ અંગે જિલ્લા કલેકટરને પુછતા તેમણે જણાવ્યું હતું કે, લોકોના જે કોઇ આક્ષેપ છે તે અંગે તપાસ કરી કોઇ કસુરવાર જણાય તો જવાબદારો સામે પગલા પણ લેવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application