BREAKING NEWS

દારૂના નશામાં ધૂત શખ્સે ચાલીને ઘરે જતા યુવક પર લાકડાના બડિકાથી હુમલો કરી ઢીમ ઢાળી દીધું, જસદણના જીવાપર ગામમાં ચોંકાવનારી હત્યા

  • May 21, 2026 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણના જીવાપર ગામે યુવકને માથામાં લાકડાનો ફટકો મારી મોતને ઘાટ ઉતારવામાં આવતા નાના એવા ગામમાં ચકચાર જાગી છે. યુવક ગઈકાલે પગપાળા ઘર પાસેથી જતો હતો ત્યારે નશાની હાલતમાં યુવક સાથે બોલાચાલી કરી લાકડાનો ફટકો માથાના ભાગે મારી દેતા યુવક ત્યાં જ ઢળી પડતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવના પગલે આટકોટ પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી શખસને સકંજામાં લીધો છે.


બનાવની મળતી વિગત મુજબ જસદણ તાલુકાના જીવાપર ગામે રહેતા અરવિંદભાઈ લાખાભાઈ રાઠોડ (ઉં.વ.35)ના યુવક ગત સાંજે પાંચેક વાગ્યે ઘરેથી ચાલીને નવા પ્લોટમાં આવેલા ઘરે જતો હતો ત્યારે ગામના ચોરા પાસે હનુમાન ડેરી નજીકથી પસાર થતા ગોલાની લારીએ ઉભેલા હરેશ કોળીએ નશાની હાલતમાં યુવકને બોલાવી ગાળો આપતા યુવકે ગાળો આપવાની ના પાડતા શખ્સ ઉશ્કેરાઈ જઈ ત્યાં પડેલો લાકડાના બડ઼િકાથી માથાના ભાગે ઘા મારતા યુવક ત્યાં જ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. બનાવના પગલે આસપાસના લોકો ભેગા થઇ જતા પરિવારને જાણ કરવામાં આવતા પરિવારજનો ત્યાં આવી ગયા હતા અને યુવકને 108 મારફતે બેભાન હાલતમાં જસદણ સરકારી હોસ્પિટલમાં ખસેડવામા આવતા ફરજ પરના તબીબએ મૃત જાહેર કરતા બનાવ અંગે આટકોટ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા આટકોટ પીઆઈ આર.એમ.રાઠોડ સહિતનો સ્ટાફ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હત્યાના બનાવમાં મૃતકના પરિવારની ફરિયાદના આધારે હરેશ કોળી સામે ગુનો નોંધી સકંજામાં લીધો છે.

મૃત્યુ પામનાર અરવિંદભાઈ ખેત મજૂરી કામ કરતા હતા અને બે બહેન ત્રણ ભાઇમાં વચેટ હતા , સંતાનમાં બે પુત્ર એક પુત્રી છે. યુવકના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.


મોતને ઘાટ ઉતરનાર શખસે જ 108ને ફોન કર્યો

હત્યા કરનાર હરેશ કોળીએ યુવકને માથાના ભાગે લાકડાનો બડીકો મારી દેતા યુવક ત્યાંજ લોહી લુહાણ હાલતમાં ઢળી પડતા હરેશે 108ને ફોન કરી બનાવની જાણ કરતા 108 એમ્બ્યલન્સ આવી ગઈ હતી. દરમિયાન મૃતકના સગા પણ ત્યાં પહોંચી જતા બધાને જોઈ હરેશ ત્યાંથી નાશી છૂટ્યો હતો. જેને મોડી રાત્રીના જ પોલીસે વાડી વિસ્તારમાંથી ઝડપી લઇ પુછપરછ હાથ ધરી છે.​​​​​​​

અગાઉ પણ યુવકને બે વખત માર માર્યો હતો

મૃતક અરવિંદભાઈના પરિવારજનોના કહેવા મુજબ હરેશ કોળી દારૂ પીવાની ટેવ ધરાવે છે અને નશાની હાલતમાં અવાર નવાર નિર્દોષ લોકોને મારકૂટ કરતો હોવાની ગામમાં રાવ હતી. અગાઉ પણ તેણે અરવિંદભાઈને નશાની હાલતમાં બોલાવી ઝગડો કરી મારકૂટ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application