વિંછીયા તાલુકાના નાના માત્રા ગામની સીમમાં વાડીએ યુવાન અને તેની પુત્રી પર કૌટુંબિક ભાઈ ભગા મનસુખભાઇ ગરાભડીયાએ કાર ચડાવી દઈ યુવાનની હત્યા કરી હતી જયારે કારની ઠોકરે યુવાનની પુત્રીને ગંભીર ઇજા થતા સારવાર માટે બોટાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. યુવાને ત્રણેક મહિના પૂર્વે કૌટુંબિભાઈની માતાનો હાથ પકડ્યો હોય જે તે સમયે યુવાનને પતાવી દેવાની ધમકી આપી હતી. બાદમાં ગઈકાલ સવારના તે સ્વીફટ કાર લઈને આવ્યો હતો યુવાનની હત્યા નીપજાવી હતી. બનાવ અંગે વિંછીયા પોલીસે યુવકની પત્નીની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, વિંછીયા તાલુકાના નાના માત્રા ગામે રહેતા અને ખેતી કામ કરનાર યુવાન ગાબાભાઈ ઉર્ફે ગભરૂભાઈ મેરાબાઈ ગરાભડીયા (ઉ.વ. 40) તથા તેમની દીકરી કૈલાશ અને પુત્ર રોહિત ત્રણે અહીં નાના માત્રા ગામની સીમમાં આવેલી રણછોડભાઈ જેસાભાઈ ગરાભડિયાની વાડીએ ગઇકાલે દવા છાંટવા માટે બાઈક લઈને ગયા હતા. દરમિયાન સવારના 09:15 વાગ્યા આસપાસ યુવાનનો કૌટુંબિક ભાઈ ભગાભાઈ મનસુખભાઈ ગરાબડીયા (રહે. નાના માત્રા તા. વિંછીયા) સફેદ કલરની સ્વીફટ કાર લઇ અહીં ધસી આવ્યો હતો અને તેણે પાછળથી ઈરાદાપૂર્વક ગભાભાઇ પર કાર ચડાવી દીધી હતી તેમજ દીકરી કૈલાશ(ઉ.વ. ૧૦) ને પણ હડફેટે લીધી હતી. બાદમાં આરોપી કાર અહીં રેઢી મૂકી નાસી ગયો હતો.
બનાવની જાણ થતા યુવકની પત્ની રમીલાબેન ઉર્ફે જશુબેન સહિતના પરિવારજનો અહીં વાડીએ દોડી આવ્યા હતા. ત્યારબાદ પિતા-પુત્રી બંનેને સારવાર માટે વિંછીયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી ગભાભાઇને મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો. જ્યારે ગંભીર રીતે ઘવાયેલી તેમની પુત્રી કૈલાશને વધુ સારવાર માટે બોટાદ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
હત્યાના આ બનાવ અંગે મૃતકના પત્ની રમીલાબેન ઉર્ફે જશુબેન (ઉ.વ. 35) દ્વારા વિછીયા પોલીસ સ્ટેશનમાં ભગા મનસુખભાઈ ગરાભડીયા (રહે. નાના માત્રા) વિરુદ્ધ નોંધવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી ભગા ગરબડીયા અને તેની માતા તેમના ઘરની બાજુમાં રહેતા હોય અને આજથી ત્રણેક માસ પૂર્વે ભગાની માતા મધુબેને બધાને એમ કહ્યું હતું કે, ગબા ઉર્ફે ગભરુએ મારો હાથ પકડ્યો છે. ત્યારે આરોપી ભગાએ ફરિયાદીના પતિ ગભરૂભાઈ સાથે ઝઘડો કરી ગાળો આપી કહ્યું હતું કે, આજે તો તને પતાવી દેવો છે. પરંતુ બધા કુટુંબીભાઈઓ થતા હોય જેથી સમાધાન કરાવ્યું હતું. ત્યારબાદ મધુબેન અને તેનો પુત્ર ભગા બંને બહારગામ રહેવા જતા રહ્યા હતા.
દરમિયાન તારીખ 27 ના રાતે 9:00 વાગ્યે તે ગાડી લઈને આવ્યા હતા અને ફરિયાદીના ઘર પાસે ગાડી રાખી હતી અને ફરિયાદીના પતિના બહાર નીકળવાની રાહ જોતા હતા. આજરોજ સવારે ફરિયાદીના પતિ ગભરૂભાઈ બાઇક લઈને બહાર નીકળતા જ ભગાએ સ્વીફ્ટ ગાડી લઈ તેનો પીછો કરી તેમને મારી નાખવાના ઈરાદા સાથે જ તેના પર ગાડી ચડાવી દઈ હત્યા નીપજાવી તેમજ તેમની પુત્રી કૈલાસને ગંભીર ઇજા પહોંચાડી હતી. જે અંગે મૃતકના પત્નીની ફરિયાદ પરથી વિંછીયા પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. બનાવ અંગે વિંછીયા પોલીસ મથકના પીઆઇ એ.સી. ડામોરની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
યુવાનની હત્યાથી ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
હત્યાનો ભોગ બનનાર ગભાભાઈ મેરાબાઈ ગરાબડીયાને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. જેમાં સૌથી મોટો રોહિત તેનાથી નાની પાયલ તેનાથી નાની જીગુબેન અને સૌથી નાની દીકરીનું નામ કૈલાશ છે. યુવાન ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
આરોપી રાત્રીથી જ યુવાનના ઘર પાસે ઘાત લગાવી બેઠો’તો
માતાનો હાથ પડકવા બાબતે આરોપી ભાગાએ અગાઉ યુવાનને મારી નાખવાની ધમકી આપ્યા બાદ સમાધાન થતા માતા-પુત્રી અહીંથી બીજે રહેવા જતા રહ્યા હતાં. બાદમાં યુવાનને મારી નાખવાના ઇરાદે આરોપી તારીખ 27 ના રાતે 9:00 વાગ્યે ગાડી લઈને આવ્યો હતો. યુવાનના ઘર પાસે ગાડી રાખી હતી અને યુવાનના બહાર નીકળવાની રાહ જોતો હતો. સવારે ગબરુભાઈ બાઇક લઈને બહાર નીકળતા જ ભગાએ સ્વીફ્ટ ગાડી લઈ તેમનો પીછો કરી તેમને મારી નાખવાના ઈરાદા સાથે જ તેમના પર ગાડી ચડાવી દઈ તેમની હત્યા નીપજાવી હતી.