કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે આવેલી અદાલતના પરિસરમાં જૂની અદાવતને લીધે એક યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવતાં ભારે ચકચાર મચી ગઈ હતી. કોર્ટ જેવા અત્યંત સુરક્ષિત, સંવેદનશીલ અને કાયદાના ધામ ગણાતા સ્થળે બનેલી આ લોહિયાળ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. જૂની અદાવતનું વેર રાખીને હુમલાખોરોએ સરેઆમ છરીના ઘા મારીને યુવકને લોહીલુહાણ કરી નાખ્યો હતો, જેના કારણે ઘટના સમયે કોર્ટ સંકુલમાં હાજર લોકો અને વકીલોમાં ભારે ભય અને સનસનાટીનો માહોલ સર્જાયો હતો. સૌથી મોટી ચોંકાવનારી વાત એ છે કે, પોલીસની હાજરી હોવા છતાં હુમલાખોરોએ યુવક પર હુમલો કર્યો હતો.
આ હુમલો થયો ત્યારે કોર્ટ પરિસરમાં જ ડીવાયએસપી અને પીઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાજર હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓની પ્રત્યક્ષ હાજરી હોવા છતાં પણ હુમલાખોરે બેફામ બનીને હિંમત દાખવી યુવક પર સરેઆમ છરીથી હુમલો કરી દીધો હતો. ઘટના બનતાં જ સ્થળ પર ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સ્થાનિક પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
કોર્ટ જેવા હાઇ-સિક્યોરિટી ઝોનમાં સરેઆમ હિંસક ઘટના બનતાં જ લોકોના મોટા ટોળાં સ્થળ પર ઉમટી પડ્યા હતા. જોકે, હાજર પોલીસ કાફલાએ સમયસૂચકતા દાખવીને હુમલો કરનાર શખ્સને સ્થળ પરથી જ દબોચી લીધો હતો અને તેની અટકાયત કરીને આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. પોલીસ અધિકારીઓની હાજરી અને કડક સુરક્ષા હોવા છતાં હુમલાખોર તીક્ષ્ણ શસ્ત્ર સાથે કોર્ટ સંકુલની અંદર કેવી રીતે પ્રવેશ્યો તે અંગે સ્થાનિકો અને વકીલ મંડળમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં ભુજ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.