BREAKING NEWS

જામનગર : ‘આપ’ના આગમનથી જામ્યુકોના રાજકારણમાં આવશે ભુકંપના આંચકા

  • November 04, 2025 06:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજયના ચૂંટણી પંચ દ્વારા જામનગર મહાનગરપાલીકાની આવનારી બેઠક માટે નવા રોસ્ટર મુજબ ૭ સામાન્ય બેઠકોમાં ઘટાડો થયો છે અને ૧૨ વોર્ડના બેઠકમાં પણ ફેરફાર થયો છે ત્યારે કેટલાક સામાન્ય બેઠકોમાં રહેલા ઉમેદવારોમાં ભારે ફફડાટ મચ્યો છે, તેનું ભવિષ્ય જોખમમાં આવ્યું છે, બીજી તરફ આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી પણ જામનગર મહાપાલીકાની ચૂંટણીમાં પણ પુરા જોરશોરથી ઝુકાવશે ત્યારે હાલમાં ભાજપના ૫૦ નગરસેવકો છે તેમાં પણ સખળ-ડખળ થઇ રહ્યું છે, સંગઠન પાંખમાં મોટાભાગના નગરસેવકોની ટીકીટ ઉપર કાતર ફેરવવામાં આવશે તેવું પણ જાણવા મળે છે, જેમને ટીકીટ નહીં મળે તે આપનો સહારો પણ લઇ શકે છે, ત્યારે હવે માંડ ૧૫ થી ૧૭ નગરસેવકોને ભાજપની ટીકીટ મળે તેવી શકયતા છે તેમાં મોટા-મોટા દાવા કરતા અને ઉંચુ કદ ધરાવતા કેટલાક નગરસેવકોની ટીકીટ પણ કપાઇ જશે તેવું લાગી રહ્યું છે. 


જામનગર મહાનગરપાલીકાની ૬૪ બેઠકોમાં હાલ તો ભાજપ ૫૦ બેઠકો લઇને ટોચના સ્થાન ઉપર છે, ૧૧ બેઠક કોંગ્રેસ પાસે અને ૩ બેઠક બસપા પાસે છે, ખાસ કરીને ભાજપના ગઢ ગણાતા વોર્ડ નં.૬માં બસપાએ મેદાન મારીને ગયા વખતે કોઇએ ન ધાર્યા હોય તેવા પરીણામ લાવીને ત્રણ બેઠક કબ્જે કરી હતી, હાલમાં જે રીતે રોસ્ટરમાં ૬૪માંથી ૪૪ બેઠક અનામત અને ૨૦ બેઠક જનરલ જાહેર થઇ છે અને આ વખતે મહીલા મેયરની પસંદગી થવાની છે, કેટલાક વોર્ડમાંથી ૨-૩ મહીલાઓને મનમાં હતું કે હું મેયર પદનો દાવો કરી શકીશ પરંતુ તેઓને ટીકીટ મળશે કે કેમ તે અંગે અવઢવ છે. ૬૪માંથી અડધો અડધ એટલે કે ૩૨ બેઠક મહીલા અનામત છે જેમાં ૨૨ સામાન્ય, ૨ અનુ.જાતિ, ૮ પછાત વર્ગ મહીલા બેઠકનો સમાવેશ થાય છે જયારે ૩૨ પુરૂષ બેઠકમાં નવા રોસ્ટર મુજબ ૨૦ સામાન્ય, ૨ અનુ.જાતિ, ૧ અનુ.આદીજાતી અને ૯ પછાત વર્ગની બેઠક થઇ છે. 


જામનગરના મહાપાલીકાના રાજકારણમાં વોર્ડ નં.૧, ૨, ૩, ૪, ૭, ૮, ૧૦, ૧૧, ૧૨, ૧૫ અને ૧૬માં ખરાખરીનો ખેલ શરૂ થયો છે, કેટલાક નવોદીત ભાજપના કાર્યકરોએ આ વખતે ટીકીટ માંગવાનો વિચાર કર્યો છે, અત્યારે પુરા જોરશોરથી કામગીરી કરી રહ્યા છે, કેટલાક જુના જોગીઓના પત્તા કટ્ટ થવાની પણ પુરી શકયતા છે ત્યારે પ્રદેશની ભાજપ સંગઠન પાંખ હવે કોને-કોને ટીકીટ ફાળવશે તે આગામી દિવસોમાં ચૂંટણી જાહેર થયા બાદ ખબર પડશે. 


જામ્યુકોના ત્રણેક પદાધિકારીઓની ટીકીટ કપાય તેવી ચર્ચા !!
જામનગર મહાપાલીકામાં હાલમાં પાંચ પદાધિકારીઓ છે તેમાંથી આગામી દિવસોમાં ત્રણેક જેટલા પદાધિકારીઓની ટીકીટ ઉપર મોવડી મંડળ કાતર ફેરવી દે તેવી પણ શકયતા છે, બીજી તરફ ત્રણ ટર્મથી ચૂંટાઇ રહેલા નગરસેવકોને કદાચ ઘરે બેસવાનો વારો આવે તો નવાઇ નહીં, ટીકીટની ફાળવણીમાં આ વખતે કેટલાક આશ્ર્ચર્યજનક ફેરફાર આવી શકે છે, કેટલાક યુવાનોને તક મળે તેવી પણ શકયતા છે, ઉપરાંત મેયર પદના દાવેદાર ગણાતા બેથી ત્રણ મહીલા ઉમેદવારો પણ આ વખતે ટીકીટમાંથી બાકાત રહે તેવી વાતોએ જોર પકડયું છે. સામાન્ય બેઠક ઘટી જતાં કેટલાક સિનીયર નગરસેવકો પણ પોતાનો વોર્ડ બદલવા અત્યારથી જ ચિંતામાં લાગી ગયા છે, આમ આગામી દિવસોમાં રાજકારણ ખુબ જ કઠણાઇભર્યુ રહેશે. હજુ તો ચુંટણી જાહેર થઇ નથી પરંતુ ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે આ વખતે સારી એવી ટકકર થાય તો નવાઇ નહીં. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application