BREAKING NEWS

ગાંધીનગરમાં રાજકીય ખળભળાટ: મહિલા એકાઉન્ટન્ટના અપહરણ અને મારપીટ કેસમાં 'આપ'ના પ્રદેશ ઉપપ્રમુખ હસમુખ પટેલની ધરપકડ

  • March 29, 2026 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સેક્ટર-25 GIDC સ્થિત HBC લાઈફ સાયન્સ કંપનીમાં ફરજ બજાવતી મહિલા એકાઉન્ટન્ટનું અપહરણ કરી, તેને ઢોર માર મારવાના ગંભીર ગુનામાં ગાંધીનગર પોલીસે આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ ઉપપ્રમુખ હસમુખ પટેલની ધરપકડ કરી છે. આ હાઈપ્રોફાઈલ ધરપકડને પગલે રાજ્યના રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે.


કૌભાંડ છુપાવવા રચાયું અપહરણનું કાવતરું

સમગ્ર વિવાદની જડ કંપનીના નાણાકીય વ્યવહારોમાં રહેલી છે. મૂળ અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા મહિલા HBC લાઈફ સાયન્સમાં એકાઉન્ટન્ટ તરીકે કાર્યરત છે. કંપનીના માલિક હિમાંશુભાઈ પટેલે તેમને પોતાની અન્ય એક કંપની, 'મેક્સિમસ હોલીડે પ્રા. લિ.' ના ઓડિટની જવાબદારી સોંપી હતી. ઓડિટ દરમિયાન મહિલાએ અંદાજે ₹80 થી ₹85 લાખના શંકાસ્પદ વ્યવહારો અને બિલો વગરની ચૂકવણીઓ પકડી પાડી હતી. આ બેનામી હિસાબોની વિગતો બહાર આવતા જ કંપનીના સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.


ચાલુ ગાડીમાં મહિલા પર જીવલેણ હુમલો

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત ૨૬ માર્ચના રોજ બપોરે કંપનીના પાર્કિંગમાંથી મહિલાનું બળજબરીપૂર્વક ગ્રીન કલરની હેરિયર ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપી સપના ડુમરે અને રિષા દેસાઈએ ચાલુ ગાડીમાં મહિલાના વાળ ખેંચી, લાફા અને મુક્કા મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલાખોરોએ ધમકી આપી હતી કે, "જો આ હિસાબોની વાત કોઈને કરી તો તને જાનથી મારી નાખી ક્યાંય દાટી દઈશું."


માલિકે ફરિયાદ ન કરવા દીધું દબાણ

ભયભીત થયેલી મહિલાએ જ્યારે આ ઘટના અંગે કંપનીના માલિક હસમુખભાઈ પટેલને જાણ કરી, ત્યારે તેમણે ન્યાય અપાવવાને બદલે મામલો દબાવવા માટે દબાણ કર્યું હતું. હસમુખભાઈએ મહિલાને પોલીસ ફરિયાદ ન કરવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલાએ હિંમત હાર્યા વગર સેક્ટર-૨૧ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શન મોડમાં આવી હતી.


પોલીસની કડક કાર્યવાહી અને ધરપકડ

ગાંધીનગર પોલીસે આ મામલે કડક વલણ અપનાવી ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર:

ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ હસમુખ શકરભાઇ પટેલ (રહે. સરગાસણ, મૂળ પાટણ) ની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીઓ વિરુદ્ધ BNS કલમ ૧૩૭(૨), ૩૫૧(૩), ૩૫૨, ૧૧૫(૨), ૬૧(૧)એ અને ૫૪ મુજબ ગુનો દાખલ કરાયો છે.


પૂર્વ આયોજિત કાવતરું હોવાનો ખુલાસો

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, હસમુખ પટેલ અને તેના ભાઈ હિમાંશુ પટેલની કંપનીઓના બેનામી હિસાબો ક્યાંય લીક ન થાય તેવા ભયથી આ આખું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. હસમુખ પટેલના કહેવાથી જ હિમાંશુ પટેલ, સપના ડુમરે અને રિષા દેસાઈએ ભેગા મળીને પૂર્વ આયોજિત પ્લાન મુજબ મહિલાનું અપહરણ કર્યું હતું અને તેને શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હતો.


હસમુખ પટેલે વર્ષ ૨૦૨૦-૨૧માં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તરીકે પણ સેવા આપી હતી. હાલમાં તેઓ પ્રદેશ ઉપપ્રમુખ જેવા જવાબદાર પદ પર હોવા છતાં, આવા ગંભીર ગુનામાં તેમની સંડોવણી બહાર આવતા 'આપ' માટે રાજકીય રીતે મુશ્કેલીઓ વધી શકે તેમ છે. પોલીસ હાલ આ કેસમાં અન્ય ફરાર આરોપીઓની શોધખોળ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application