BREAKING NEWS

આજી-૧ ડેમના જમીન સંપાદનના અસરગ્રસ્ત ૮૭ જેટલા ખેડૂતોને હવે મળ્યા ટાઇટલ હક્ક

  • August 03, 2026 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં આજી-૧ ડેમના નિર્માણ વખતે જમીન સંપાદન થયા બાદ ખેડૂતોને પરત આપવામાં આવેલી જમીનના સર્વે નંબર ફરી જતા અનેક પ્રશ્નો થતા હતા. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રની પહેલ અને સક્રિયતાથી થોરાળાના ૮૭ ખેડૂતોનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો છે.

ગઇકાલે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતેના કાર્યક્રમમાં ખેડૂતોએ પોતાનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલવા બદલ મુખ્યમંત્રીને હળ આપીને વિશેષ સન્માન કર્યું હતું. મુખ્યમંત્રીએ આ હળને ખભે મૂકીને ખેડૂતોની લાગણી સ્વીકારી હતી. આ તકે ખેડૂત પ્રતિનિધિ ગણેશ રંગાણી, મુળજી કણબી, પ્રફુલ સંઘાણીએ સૌ ખેડૂતોવતી મુખ્યમંત્રીનો વિશેષ આભાર માન્યો હતો.

આ તકે ખેડૂત ગણેશ રંગાણીએ જણાવ્યું હતું કે, આજી ડેમ જ્યારે બન્યો ત્યારે રાજકોટની જીવાદોરી સમાન આ પ્રોજેક્ટ માટે ખેડૂતોએ જમીનો આપી હતી. કોઈ કારણસર સંપાદિત જમીન ખેડૂતો માટે રીગ્રાન્ટ થઈ હતી. જો કે જમીનનો સર્વે નંબર ન હોવાથી અનેક પ્રશ્નો થતા હતા. છેવટે જન પ્રતિનિધિઓ મારફત આ પ્રશ્ન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂ કર્યો હતો. મુખ્યમંત્રીએ પરિસ્થિતિ સમજીને તરત જ આ નિર્ણય લેવડાવ્યો, જેના પરિણામે જાહેરનામું બહાર પડ્યું અને સત્તાવાર હુકમ જાહેર થયો. સરકારી હુકમ થયા બાદ રાજકોટ સ્થાનિક કક્ષાએ પ્રમોલગેશન અને મહેસૂલી પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરવામાં આવી. આ પ્રક્રિયામાં રાજકોટના કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ, પૂર્વ મામલતદાર સહિત સમગ્ર ટીમનો અદ્ભુત સહયોગ સાંપડ્યો. જેથી, વર્ષો જૂનો આ જટિલ પ્રશ્ન ઉકેલાયો અને થોરાળા ગામના ખેડૂતોની આશરે ૩૦૦ એકર જમીન મુક્ત થઈ છે. તેથી, આ તકે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરું છું. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાના મોજે થોરાળા ગામ ખાતે વર્ષ ૧૯૫૪-'૫૫ દરમિયાન આજી-૧ ડેમ માટે સંપાદિત થયેલી જમીનો પૈકી મૂળ ખાતેદારોને પરત અપાયેલી જમીનોનું તે સમયે પ્રમોલગેશન થઈ શક્યું ન હતું. જેના કારણે આશરે ૮૬૩-૧૧-૨૨ ચો.મી. (આશરે ૨૮૭ એકર) જમીન વર્ષો સુધી બિનનંબરી સર્વે નંબર તરીકે રહી ગઈ હતી. જેના કારણે ખેડૂતોને મહેસૂલી નોંધ, જમીનના વ્યવહારો તેમજ સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવવા મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ અંગે થોરાળા ગામના અસરગ્રસ્તો દ્વારા મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. તેમની સૂચના મુજબ જિલ્લા કલેક્ટર દ્વારા મહેસૂલ વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી હતી. બાદ રાજ્ય સરકાર દ્વારા તા.૬.૬.૨૦૨૩ના જાહેરનામાથી આ જમીનને થોરાળા ગામના રકબામાં સમાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ત્યારબાદ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મામલતદાર, રાજકોટ શહેર (પૂર્વ) દ્વારા ગામ દફતરે નોંધ નં. ૨૧૪૩, તા. ૧૩/૦૫/૨૦૨૬ દાખલ કરવામાં આવી છે. આ કાર્યવાહીના પરિણામે ૮૭ ખાતેદારોની આશરે ૨૮૭ એકર વિસ્તારની જમીનનું પ્રમોલગેશન પૂર્ણ થશે. જેનાથી લાભાર્થી ખેડૂતોને મહેસૂલી હક્કો સાથે કિસાન ક્રેડિટ કાર્ડ, પાક ધિરાણ, કૃષિ સહાય, સિંચાઈ સહાય અને સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મળશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application