BREAKING NEWS

ગ્રામ પંચાયતોનાં જન્મ-મરણ અને મેરેજ સર્ટિફિકેટમાં બારકોડનો અભાવ

  • November 21, 2026 02:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી વિવિધ ગ્રામ પંચાયતો દ્વારા આપવામાં આવતા જન્મના દાખલા, મરણના દાખલા તેમજ મેરેજ સર્ટિફિકેટમાં બારકોડનો લોગો ન હોવાના કારણે અરજદારોને સરકારી કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને લગ્ન બાદ આધારકાર્ડમાં પતિનું નામ અને અટક દાખલ કરાવવા માટે મેરેજ સર્ટિફિકેટમાં બારકોડ હોવો જરૂરી બનતાં આ મુદ્દે સવજીભાઈ સી. ફળદુ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.



રજૂઆતમાં જણાવ્યા મુજબ, તેમની પુત્રીનાં લગ્ન શાપર-વેરાવળના ઉમિયા કોમ્યુનિટી હોલ ખાતે યોજવામાં આવ્યાં હતાં. ત્યારબાદ શાપર-વેરાવળ ગ્રામ પંચાયતમાંથી લગ્નનું પ્રમાણપત્ર મેળવવામાં આવ્યું હતું. જોકે, આ પ્રમાણપત્રમાં બારકોડનો લોગો ન હોવાથી હવે આધારકાર્ડમાં નામ અને અટક બદલાવવાની પ્રક્રિયામાં અડચણ ઊભી થઈ છે.


હાલમાં તેમની પુત્રીના આધારકાર્ડમાં ’નિશા કલ્પેશભાઈ ફળદુ’ નામ નોંધાયેલું છે. લગ્ન બાદ આધારકાર્ડમાંથી પિતાનું નામ અને અટક દૂર કરીને ’નિશા યશ ભૂત’ નામ દાખલ કરાવવાનું હોવાથી આધારકાર્ડ કચેરી દ્વારા બારકોડ ધરાવતું મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. પરિણામે ગ્રામ પંચાયતમાંથી મળેલા પ્રમાણપત્રમાં બારકોડ ન હોવાના કારણે નામમાં સુધારો કરાવવાની કામગીરી અટવાઈ છે.

આવી સમસ્યા માત્ર એક અરજદાર પૂરતી મર્યિદિત ન હોય અને રાજકોટ જિલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવી સ્થિતિ સર્જાતી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આથી કલેક્ટર સમક્ષ શાપર-વેરાવળ સહિત રાજકોટ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોની કચેરીઓમાં સ્થળ તપાસ અને સર્વે કરાવી જરૂરી માર્ગદર્શન તથા નિર્ણય લેવા માંગ કરવામાં આવી છે. સાથે જ જિલ્લાના તમામ ગ્રામ પંચાયતો દ્વારા આપવામાં આવતા જન્મ-મરણના દાખલા અને મેરેજ સર્ટિફિકેટમાં બારકોડનો લોગો ફરજિયાત મૂકવાની વ્યવસ્થા તાત્કાલિક અમલી બનાવવા રજૂઆત કરવામાં આવી છે, જેથી નાગરિકોને આધારકાર્ડ સહિતની અન્ય સરકારી કામગીરીમાં બિનજરૂરી ધક્કા ખાવા ન પડે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application