શહેરના ગાયકવાડી શેરી નં.૬માં વર્ષ 2017માં નિઝામ દલની થયેલી હત્યાનો બદલો લેવા 11 માસ બાદ ફિલ્મી ઢબે પીછો કરી ધર્મેન્દ્ર રોડ પર આવેલા રમેશ બ્રધર્સવાળી શેરીમાં જલારામ નાસ્તાની લારી પાસે મોહસીન જુણેજાના થયેલા ખૂનના ચકચારી કેસમાં અદાલતે રિયાઝ દલ સહિત ચાર આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂકવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, શહેરના જામનગર રોડ પરના ભીસ્તીવાડમાં રહેતા મોહસીન હનીફભાઇ જુણેજા (ઉ.વ.30) અને તેના બે માસિયાઇ ભાઇ આબીદ જુણાચ તથા રફિક તારીખ 12/ 1/ 18ના ગુરુવારે રાત્રે એકાદ વાગ્યે ધર્મેન્દ્ર રોડ પર નાસ્તો કરવા ગયા હતા. ત્રણેય ભાઇઓ નાસ્તો કરી રહ્યા હતા ત્યારે સ્કોર્પિયો અને એક્ટિવામાં ધસી આવ્યા હતા. સ્કોર્પિયોમાંથી કુખ્યાત રીયાઝ ઇસ્માઇલ દલ અને તેનો ભાઇ રીઝવાન દલ, તેનો પિતા ઇસ્માઇલ ઉર્ફે બટુક ઇશા દલ, શાહરૂખ ઉર્ફે રાજા બાબુ જુણેજા તેમજ એક્ટિવા ત્રણ અજાણ્યા શખ્સોએ ‘આજે તને મારી નાખવો છે’ તેમ કહી છરીથી સામુહિક હુમલો કર્યો હતો. જેમાં છરીના 19 ઘા ઝીંકાતા મોહસીન ઉર્ફે અસગરે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. આ અંગે એ. ડિવિઝન પોલીસમાં આબિદ હુસેનભાઇ જુણેજાએ રિયાઝ ઈસ્માઈલ દલ, શાહરુખ ઉર્ફે રાજા અલારખા જુણેજા, રિઝવાન ઉર્ફે બોડિયો ઈસ્માઈલ દલ અને ઈસ્માઈલ ઉર્ફે બટુક ઈસા દલ તેમજ બાળ આરોપીના નામ આપ્યા હતા. તેમાં 11 મહિના પૂર્વે ગાયકવાડીમાં નિઝામ દલની હત્યા થઇ હતી, તેનો ખાર રાખીને દલ પરિવારે મોહસીનને છરીના 19 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી વેરની વસૂલાત કરી હોવાનું જણાવતા પોલીસે તમામની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું હતું. ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ સ્પેશિઅલ પી.પી.ની નિમણૂક કરવામાં આવેલ, આ કામમાં સરકાર પક્ષે કુલ ૪૧ સાહેદો તથા ૧૧૩ દસ્તાવેજો રજુ કરવામાં આવેલ. આ કામમાં બચાવપક્ષના એડવોકેટ પિયુષ શાહે રજૂઆત કરી હતી કે, દુશ્મનાવટના કારણે ખોટા નામ આપેલ છે, નજરે જોનાર સાહેદો તથા ઓરલ ડી.ડી.ના સાહેદ બનાવના સમયે અને સ્થળે હાજર ન હતા, તેવું ઉલટ તપાસ દરમિયાન વિગતો બહાર આવેલ છે, તેના આધારે સજા થઈ શકે નહિ, તેમજ ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાન લઇ અદાલતે તમામ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપીઓ વતી રાજકોટના પી.એમ. શાહ લો ફર્મના સિનિયર એડવોકેટ પીયુષભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નિતેષભાઈ કથીરિયા, નીવીદભાઈ પારેખ, જીતેન્દ્રભાઈ ધુળકોટીયા, વિજયભાઈ પટગીર, હર્ષિલભાઈ શાહ, ચિરાગભાઈ શાહ, રાજેન્દ્રભાઈ જોશી, રવિરાજભાઈ વાળા તથા આસિસ્ટન્ટ તરીકે સંજયભાઈ મેરાણી, મિહિરભાઈ શાહ, રાજાભાઈ ભટ્ટ તથા વિપુલભાઈ દેવમુરારી રોકાયા હતા.