ભાદર-૨ ડેમ પૂર્ણ સપાટી નજીક, ૫ દરવાજા ખોલી ૪૦,૬૦૪ ક્યુસેક પાણી છોડાયું
ભાદર-૨ ડેમ પૂર્ણ સપાટી નજીક, ૫ દરવાજા ખોલી ૪૦,૬૦૪ ક્યુસેક પાણી છોડાયું
July 25, 2026 09:33 AM
ધોરાજી નજીક આવેલ ભાદર-૨ ડેમમાં ઉપરવાસમાંથી સતત ભારે પાણીની આવક થતાં ડેમ પૂર્ણ સપાટીની નજીક પહોંચી ગયો છે. ડેમનું રૂલ લેવલ ૫૨.૫૦ મીટર જાળવવા માટે તંત્ર દ્વારા ડેમના પાંચ દરવાજા ૧.૮૨ મીટર (૬ ફૂટ) સુધી ખોલવામાં આવ્યા છે.હાલમાં ડેમમાંથી કુલ ૪૦,૬૦૪ ક્યુસેક પાણી ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ભારે જાવકને કારણે ભાદર નદી બે કાંઠે વહેતી થઈ છે અને હેઠવાસના વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.ડેમમાંથી પાણી છોડાતા ધોરાજી, ઉપલેટા, પોરબંદર અને કુતિયાણા તાલુકાના ૩૮થી વધુ ગામોને હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ધોરાજી તાલુકાના ભોળા, ભલ ગામડા અને સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલિયા, ગણોદ અને લાઠ સહિતના ગામોના લોકોને જરૂર જણાય તો સલામત સ્થળે ખસી જવા તેમજ નદીપટ અને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે.આ ઉપરાંત પોરબંદર જિલ્લાના કુતિયાણા, ચૌટા, નવીબંદર અને ચીલોદરા સહિત ભાદર નદી કાંઠાના ગામોના લોકોને પણ નદી અને નાળાઓથી દૂર રહેવા રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલ દ્વારા અપીલ કરવામાં આવી છે.ભાદર-૨ ડેમના સેક્શન અધિકારી ધ્રુવ મહેતાએ જણાવ્યું હતું કે ઉપરવાસમાંથી પાણીની આવક પર સતત નજર રાખવામાં આવી રહી છે અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમણે લોકોને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અને અફવાઓથી દૂર રહેવા અનુરોધ કર્યો છે.