અમદાવાદ શહેર સહિત રાજ્યભરની શાળાઓ અને નીચલી અદાલતોને ખાલિસ્તાનના નામે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમના સંયુક્ત ઓપરેશન હેઠળ પશ્ચિમ બંગાળથી 'બિશ્વાસ' નામના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બોમ્બની ધમકીના શ્રેણીબદ્ધ ઈમેલના કેસમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી આ પ્રથમ ધરપકડ છે.
શું હતો સમગ્ર મામલો?
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓ અને ન્યાયતંત્રને નિશાન બનાવીને ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવી રહ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે 17 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના લોકસભા મત વિસ્તારની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.
16 ફેબ્રુઆરીના રોજ ફરી એકવાર ઈમેલ મોકલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ટાર્ગેટ હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ મેઈલમાં "હિન્દુસ્તાનના ટુકડા થશે અને ગુજરાત ખાલિસ્તાન બનશે" તેવા ઉશ્કેરણીજનક લખાણ સાથે અમદાવાદ અને વડોદરાની 40 જેટલી શાળાઓને નિશાન બનાવવાની ધમકી અપાઈ હતી.
તપાસનો ધમધમાટ અને ધરપકડ
આરોપી બિશ્વાસને ઝડપી લીધા બાદ પોલીસ દ્વારા તેના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને હાલ તેની સઘન પૂછપરછ ચાલી રહી છે. પોલીસ તપાસમાં એ વાત પણ જાણવા મળી છે કે આ ગુનામાં માત્ર એક જ વ્યક્તિ સામેલ નથી, પરંતુ એક આખું નેટવર્ક કાર્યરત હોવાની શંકા છે. આ પૂર્વે રેની જોશીલ્ડા નામની એક મહિલા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસની આગામી તપાસના મુદ્દા
શું હાઈકોર્ટને મળેલા ધમકીભર્યા ઈમેલ પણ આ જ આરોપીએ કર્યા હતા?
અગાઉ દક્ષિણ ભારતીય ભાષાના લખાણવાળા જે ઈમેલ આવતા હતા, તેમાં આ આરોપીની કોઈ સંડોવણી છે કે કેમ?
આ ષડયંત્રમાં સામેલ અન્ય અન્ય આરોપીઓ કોણ છે અને તેમની ક્યાં છુપાયેલા છે?
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના મતે, આ ધરપકડથી આગામી સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. શાળાઓ અને જાહેર સ્થળોની સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસ અત્યંત તકેદારી પૂર્વક તપાસ આગળ વધારી રહી છે.