રાજકોટમાં મંગળા રોડ પર પેંડા અને મુર્ગા ગેંગ વચ્ચે થોડા દિવસ પહેલા મોડીરાત્રે ધાણીફૂટ ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં પોલીસે પેંડા ગેંગના સાત આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બાદમાં મુર્ગા ગેંગના ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. હવે હથિયાર સપ્લાય કરનાર સંજયરાજસિંહ ઝાલાની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ શહેર એસઓજી પોલીસ દ્વારા હથિયાર સપ્લાય કરનાર સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને દબોચી લેવામાં આવ્યો છે. તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્ટલ, એક આઈફોન, એક રોયલ એન્ફીલ્ડ સહિત 1,90,000 રૂપિયાનો કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સંજયરાજસિંહ પર રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અગાઉ આઠ જેટલા ગુના નોંધાયેલા છે.
સરાજાહેર અંધાધૂંધ ફાયરિંગ કેસમાં બન્ને ગેંગના સભ્યો સામે પોલીસે ફરિયાદ નોંધી પેંડા ગેંગના સાત સભ્યોની ધરપકડ બાદ મુર્ગા ગેંગના 3 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મુર્ગા ગેંગના આરોપીઓને કોર્ટમાં હાજર કરતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પેંડા ગેંગ બાદ ગઈકાલે મુર્ગા ગેંગના ત્રણ આરોપીને દોરડાથી બાંધી ઘટનાસ્થળ પર લઇ જઈ રિકંસ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. જાહેરમાં ત્રણેય આરોપીઓ લંગડાતા લંગડાતા બે હાથ જોડી લોકોની માફી માંગી હતી. ઉલ્લેખનીય છે કે પેંડા ગેંગના સાત આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

શું છે સમગ્ર ઘટના?
રાજકોટના મંગળા રોડ પર 29 ઓક્ટોબરની વહેલી સવારે 3.30 વાગ્યે જાહેર રોડ ઉપર સામસામે ફાયરીંગનો બનાવ બન્યો હતો. જેમાં બન્ને પક્ષે સમાધાન કરી લેતા પોલીસે ખુદ ફરિયાદી બની આરોપીઓ વિરુધ્ધ હત્યાની કોશિશ, રાયોટિંગ, આર્મ્સ એક્ટ સહિતં કલમ હેઠળ ગુનો નોંધી આસપાસના CCTV ફૂટેજ અંગે તપાસ શરૂ કરી હતી અને હોસ્પિટલના સિક્યોરિટી તેમજ આસપાસના લોકોની પૂછપરછ કરી હતી. પોલીસે મુર્ગા ગેંગના સાત લોકો સામે નામ જોગ ફરિયાદ નોંધી હતી જે પૈકી 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. જયારે મુખ્ય આરોપી સમીર ઉર્ફે સંજલો ઉર્ફે મૂર્ઘો જુણેજા સહિત ચાર આરોપીઓ હજુ ફરાર હોવાથી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
રાજકોટના મંગળા રોડ પર ગત તારીખ 29 ઓક્ટોબરના રોજ વહેલી સવારે 3.30 વાગ્યે પેંડા ગેંગ અને મુર્ગા ગેંગ વચ્ચે સામસામે અંધાધૂંધ ફાયરિંગની ઘટનામાં પોલીસે પેંડા ગેંગના સાત આરોપી બાદ મુર્ગા ગેંગના 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી અબ્દુલ્લા ઉર્ફે દુલિયો ધાડા, શોયબ ઉર્ફે સાહિલ દિવાન અને અમન ઉર્ફે મરઘો પીપરવાડીયાની ધરપકડ કરી હતી.

અગાઉ પણ અદાવત રાખી ફાયરિંગ કરવામાં આવ્યા હતા
આ બનાવની પાછળ બંને જૂથ વચ્ચે ચાલી આવતી જૂની અદાવત કારણભૂત હોવાની આરોપીઓએ કબૂલાત આપી છે. જાન્યુઆરી મહિનામાં એક યુવતી સાથેના સંબંધને લઇ બંને જૂથ વચ્ચે રાગદ્વેષ શરૂ થયો હતો અને ત્યારે પણ ફાયરિંગની ઘટના બની હતી. આ પછી ફરી ઓગસ્ટ મહિનામાં એ જ વાતનો ખાર રાખી ફાયરિંગ કરવામાં આવ્યા હતા.
હવે ફરી ત્રીજી વખત 29 તારીખના રોજ ફાયરિંગના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં કુલ ત્રણ આરોપીઓ દ્વારા બંને પક્ષે સામસામે ફાયરિંગ કરવામાં આવ્યા હતા. આરોપી હર્ષદીપસિંહ ઉર્ફે મેટિયો ઝાલા, જીજ્ઞેશ ઉર્ફે ભયલુ રાબા અને સામાં પક્ષે સમીર ઉર્ફે સંજય ઉર્ફે મૂર્ઘો જુણેજા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.