BREAKING NEWS

રાજકોટની રાષ્ટ્રીય શાળાના પરિસરમાં નરાધમોની પાપલીલા: બે સગીરો પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાતા ચકચાર

  • March 29, 2026 04:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના હૃદય સમાન અને ઐતિહાસિક મહત્વ ધરાવતા યાજ્ઞિક રોડ પર આવેલી રાષ્ટ્રીય શાળાના પરિસરમાંથી માનવતાને શરમાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. સંસ્થાના પરિસરમાં કાર્યરત પાણીના પ્લાન્ટમાં મજૂરી કરતા બે નિર્દોષ સગીરો પર પ્લાન્ટ સંચાલક અને તેના મિત્ર દ્વારા અવારનવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી તેમની નિર્દોષતાને પીંખવામાં આવી હોવાની વિગતો બહાર આવતા સમગ્ર શહેરમાં ભારે રોષ અને ચકચાર મચી ગઈ છે.


ચોકલેટની લાલચ આપી આચર્યું દુષ્કૃત્ય

આ મામલે ભોગ બનનાર સગીરના નાનીએ રાજકોટના 'એ' ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ અનુસાર, ભોગ બનનાર ૧૫ અને ૧૭ વર્ષના બે સગીરો આ પાણીના પ્લાન્ટમાં મજૂરી કામ કરતા હતા. પ્લાન્ટ સંચાલક જયેશ પ્રાણલાલ મજેઠીયા અને તેનો મિત્ર સંદિપ વિનોદ કણસાગરા (ઉર્ફે લાલો પટેલ) આ કિશોરોની આર્થિક મજબૂરીનો ફાયદો ઉઠાવતા હતા.


નરાધમો આ માસૂમોને ચોકલેટ અને અન્ય લાલચો આપીને પોતાની હવસનો શિકાર બનાવતા હતા. એટલું જ નહીં, જો આ બાબતે કોઈને પણ જાણ કરશે તો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને ડરાવવામાં આવતા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે આ નરાધમો છેલ્લા ઘણા સમયથી સગીરો પર અત્યાચાર ગુજારી રહ્યા હતા.


મિત્રએ મોબાઈલમાં વીડિયો ઉતારતા ફૂટ્યો ભાંડો

આ ભયાનક પાપલીલાનો અંત ત્યારે આવ્યો જ્યારે ત્યાં જ કામ કરતા અન્ય એક સગીર મિત્રને શંકા ગઈ હતી. તેણે હિંમત દાખવીને એક દિવસ છૂપી રીતે પોતાના મોબાઈલ ફોનમાં આ શરમજનક ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો પુરાવા તરીકે સામે આવતા જ પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. વીડિયોમાં નરાધમોની કરતૂત સ્પષ્ટ દેખાતી હોવાથી પોલીસે આ મામલે કડક વલણ અપનાવ્યું છે.


પોલીસ કાર્યવાહી: પોકસો હેઠળ ધરપકડ

ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા 'એ' ડિવિઝન પોલીસ મથકના પીઆઈ બોરીસાગર અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપી જયેશ મજેઠીયા અને સંદિપ કણસાગરા વિરુદ્ધ પોકસો (POCSO) એક્ટની વિવિધ કલમો

સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી લીધી છે.


વધુ તપાસ તેજ

ઐતિહાસિક ગાંધીવાદી સંસ્થાના પરિસરમાં આવી નરાધમ પ્રવૃત્તિ ચાલતી હોવાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, શું આ શખ્સોએ અગાઉ પણ અન્ય કોઈ સગીરોને પોતાની હવસનો શિકાર બનાવ્યા છે? તેમજ આટલા લાંબા સમયથી ચાલી રહેલી આ પ્રવૃત્તિની સંસ્થાના અન્ય કોઈ વ્યક્તિને જાણ હતી કે કેમ, તે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application