શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધી સાયકલ ટ્રેક, સર્વિસ રોડ કે ફૂટપાથ પર વાહન પાર્ક કર્યું તો કાર્યવાહી થશે. જે અંગે પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડયુ છે.
શહેરમાં માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધીના માર્ગ પર સાયકલ ચાલકોની સલામતી અને સુવિધા માટે ખાસ સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યા છે. જોકે, આ સાયકલ ટ્રેક, સર્વિસ રોડ તેમજ ફૂટપાથ પર વાહનો પાર્ક કરી દેવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી હતી. આ અનધિકૃત પાર્કિંગના કારણે સાયકલ સવારોને મુખ્ય માર્ગ પરથી પસાર થવાની ફરજ પડે છે, જેના લીધે અકસ્માત થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.
જેને લઇ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ દ્વારા ખાસ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે જાહેરનામામાં ૧૫૦ ફૂટ રીંગ રોડના આ નિર્ધારિત વિસ્તારમાં સાયકલ ટ્રેક, સર્વિસ રોડ કે ફૂટપાથ પર વાહન પાર્ક કરનારાઓ સામે નિયમાનુસાર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કાયદેસરની શિક્ષાત્મક ભીંસ પણ નકકી કરવામાં આવી છે.
જાહેરનામામાં ફરજ પરના પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહિની, ફાયર બ્રિગેડના વાહનો તેમજ સરકારી વાહનોને આકસ્મિક સંજોગોમાં આ પાર્કિંગ પ્રતિબંધના નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે.