ટ્રમ્પના પ્રેશર બાદ અંતે અમેરિકા અને યુક્રેન વચ્ચે થયા ખનિજ કરાર

  • May 01, 2025 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
અમેરિકા અને યુક્રેન એક મોટા આર્થિક કરાર પર પહોંચ્યા છે, જેના હેઠળ બંને દેશો યુએસ-યુક્રેન રિકન્સ્ટ્રકશન ઇન્વેસ્ટમેન્ટ ફંડ બનાવવા માટે સંમત થયા છે. આ કરાર દ્વારા અમેરિકાને યુક્રેનના દુર્લભ ખનિજ સંસાધનોમાં હિસ્સો મળશે. આ કરાર એવા સમયે થયો જ્યારે ટ્રમ્પે માંગ કરી હતી કે યુક્રેન રશિયા સામેના યુદ્ધમાં અમેરિકાને મળેલી મદદ માટે ચૂકવણી કરે. આ જાહેરાત બંને દેશો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. આ કરારનો ઉદ્દેશ્ય રશિયાના આક્રમણ પછી યુક્રેનના પુનઃનિર્માણમાં યુએસ સહાયને આર્થિક ભાગીદારીમાં બદલાવવાનો છે.


અહેવાલ મુજબ, ટ્રમ્પે યુક્રેન પાસેથી રશિયા સામેના યુદ્ધમાં અમેરિકા પાસેથી મળેલી મદદ પરત કરવાની માંગણી કરી ત્યારે આ કરાર થયો છે. યુએસ નાણા મંત્રાલયે કહ્યું કે આ કરાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં થયો હતો. આ ભંડોળ યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ અને ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે સંચાલિત કરવામાં આવશે.


નાણામંત્રી સ્કોટ બેસન્ટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના શાંતિ માટેના પ્રયાસોને કારણે આજે આ ઐતિહાસિક કરાર થયો છે. આનાથી રશિયાને સ્પષ્ટ સંદેશ મળે છે કે અમેરિકા સ્વતંત્ર, સાર્વભૌમ અને સમૃદ્ધ યુક્રેનની સાથે ઉભું છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે રશિયાને શસ્ત્રો કે નાણાકીય મદદ આપનાર કોઈપણ દેશ કે વ્યક્તિને યુક્રેનના પુનર્નિર્માણમાં કોઈ લાભ મળશે નહીં.


યુક્રેન અને અમેરિકા બંનેએ આ ભાગીદારીને શક્ય તેટલી વહેલી તકે અમલમાં મૂકવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેથી બંને દેશોના લોકોને તેનો સીધો લાભ મળી શકે. આ કરાર દ્વારા, અમેરિકાને યુક્રેનના મહત્વપૂર્ણ કુદરતી સંસાધનો જેમ કે એલ્યુમિનિયમ, ગ્રેફાઇટ, તેલ અને ગેસમાં પ્રાથમિકતાના ધોરણે રોકાણ કરવાનો અધિકાર મળશે. તેને યુએસ-યુક્રેન રિકન્સ્ટ્રક્શન ઇન્વેસ્ટમેન્ટ ફંડ કહેવામાં આવે છે.


યુક્રેનના નાયબ વડા પ્રધાન યુલિયા સ્વિરિડેન્કોએ જણાવ્યું હતું કે આ કરાર પર 30 એપ્રિલે વોશિંગ્ટનમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અગાઉ ફેબ્રુઆરીમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની અમેરિકા મુલાકાત દરમિયાન તેના પર હસ્તાક્ષર થવાના હતા, પરંતુ વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચેના વિવાદને કારણે તેને મુલતવી રાખવામાં આવ્યું હતું.


આ કરાર એવા સમયે થયો છે જ્યારે યુક્રેનને રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાની મદદની સખત જરૂર છે. યુક્રેન આને અમેરિકન સમર્થન જાળવી રાખવાની તેની વ્યૂહરચનાનો ભાગ માને છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application