ડાન્સર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ધનશ્રી વર્મા હવે પોતાની કારકિર્દીમાં નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહી છે. ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલથી છૂટાછેડા બાદ ધનશ્રી ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે તે પોતાના ફિલ્મી ડેબ્યૂને લઈને ચર્ચામાં છે. ધનશ્રીતેલુગુ ફિલ્મ 'હે કન્નમ્મા'માં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે. ફિલ્મનું ઓફિશિયલ ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે, જેમાં તેની પહેલી ઝલક જોવા મળી રહી છે.
ધનશ્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું ટીઝર શેર કરીને આ નવી શરૂઆતની ખુશી વ્યક્ત કરી હતી. તેણે આ પ્રોજેક્ટને પોતાના માટે ખૂબ જ ખાસ ગણાવ્યો છે.ધનશ્રીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મ તેના માટે એક સુંદર સફર રહી છે અને દર્શકો તેને મોટા પડદા પર જુએ તેની તે આતુરતાથી રાહ જોઈ રહી છે.તેણે ફિલ્મની આખી ટીમનો આ સફરમાં સાથ આપવા બદલ આભાર પણ માન્યો હતો.
ધનશ્રીની આ ફિલ્મનું નિર્માણ જાણીતા તેલુગુ ફિલ્મ નિર્માતા દિલ રાજુના પ્રોડક્શન હાઉસ હેઠળ કરવામાં આવ્યું છે. ફિલ્મનું દિગ્દર્શન સસી કુમાર મુથુલુરીએ કર્યું છે.આ મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં ધનશ્રીની સાથે યશવંત માસ્ટર અને કાર્તિકા મુરલીધરન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત સીરત કપૂર, બ્રહ્માજી અને વેંકટેશ કાકુમનુ પણ ફિલ્મનો હિસ્સો છે.
ફિલ્મના ટીઝર બાદ હવે દર્શકો તેની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. નિર્માતાઓએ 'હે કન્નમ્મા'ને 27 નવેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવાની તૈયારી કરી છે.ધનશ્રી વર્મા ડાન્સર, કોરિયોગ્રાફર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે જાણીતી છે. સોશિયલ મીડિયા પર તેના ડાન્સ વીડિયો અને રીલ્સને મોટી સંખ્યામાં લોકો પસંદ કરે છે.
યુઝવેન્દ્ર ચહલ સાથેના લગ્ન અને ત્યારબાદ છૂટાછેડાને કારણે પણ તે ચર્ચામાં રહી હતી. હવે ફિલ્મી દુનિયામાં પગ મૂકીને ધનશ્રી પોતાની અલગ ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.હવે જોવાનું એ રહેશે કે ડાન્સની દુનિયામાં લોકપ્રિયતા મેળવનારી ધનશ્રીને અભિનેત્રી તરીકે દર્શકો કેટલો પ્રેમ આપે છે.