રાજકોટમાં નાનામવા રોડ પર ચામુંડાનગરમાં રહેતા પતિ તથા સસરા અને દિયર સામે પરિણીતાએ શારીરિક- માનસિક ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે મેટોડા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
હાલ લોધિકાના વડવાજડી ગામે રહેતી ડોલીબેન નામની પરિણીતાએ મેટોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટમાં નાનામવા મેઈન રોડ પર ચામુંડાનગરમાં રહેતા પતિ અભિષેક પ્રકાશભાઈ પરમાર, સસરા પ્રકાશભાઈ લખુભાઈ પરમાર અને દિયર મોહિત પરમારના નામ આપ્યા છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન ગઇ તા. 28-3-2023 ના અભિષેક પરમાર સાથે થયા હતા. લગ્નજીવન થકી સંતાનમાં ત્રણ વર્ષની પુત્રી ક્રિસ્ટી છે એક વર્ષથી પરિણીતા પુત્રી સાથે વડવાજળી ગામે પિતાના ઘરે રહે છે. પરિણીતાએ નર્સિંગનો અભ્યાસ કર્યો છે.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ તેઓ જામનગર રહેતા હતા બાદમાં રાજકોટ રહેવા આવી ગયા હતા. પતિ અભિષેકને હોમ કેર એજન્સી હોય જેથી ઘરે બેસીને કામકાજ કરતો હતો. પરિણીતાએ દીકરીને જન્મ આપ્યા બાદ પતિ વારંવાર ખોટી શંકા કુશંકા કરી ઝઘડા કરતો હતો. દીકરી ચાર મહિનાની થઈ ત્યારે રીતી રિવાજ મુજબ માવતરે જીયાણું કર્યું હતું ત્યારે પતિ કહેવા લાગ્યો હતો કે, કેમ તારા પિતાએ મને કંઈ આપ્યું નહીં? તારા પપ્પાને મને કંઈક આપવું જોઈએ.
તેમ કહી માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો અને કરિયાવર બાબતે મારફૂટ કરતો હતો. સસરા તથા દિયર પણ તેની ચડામણી કરતા હતા જેથી પતિ અવારનવાર ઝઘડો કરી ત્રાસ આપી પરિણીતા તથા તેની માસુમ પુત્રીને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.
ક્યારેક રસોઈ સારી ન બને તો સસરા તથા દિયર જેમફાવે તેમ બોલી પતિની ચડામણી કરતા હતા જેથી પતિ રસોઈ કેમ સારી બની નથી તેમ કહી ઝઘડો કરતો હતો. એકાદ વર્ષ પૂર્વે પતિ અભિષેકે કરિયાવર બાબતે બોલાચાલી કરી માર મારતા પરિણીતા તેની દીકરીને લઈ પિતાના ઘરે આવી ગઇ હતી. ત્યારબાદ છેલ્લા એકાદ વર્ષથી સમાજના આગેવાનો દ્વારા સમજાવટનો પ્રયાસ કરાયો હતો પરંતુ આજદિન સુધી પતિ કે સાસરીયાપક્ષના કોઈ સભ્યએ પરિણીતાની દીકરીના ખબર અંતર પણ પૂછ્યા ન હતા જેથી અંતે કંટાળી તેણે પતિ સહિતના સાસરિયાઓ સામે આ ફરિયાદ નોંધાવી છે.