BREAKING NEWS

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં બળવો થયા બાદ અમુક મતદારોને રાજસ્થાન લઇ જવાયા

  • August 28, 2026 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ લોધિકા સહકારી સંઘ લિમિટેડની ચૂંટણીમાં બળવો થતા પાંચ બેઠક માટે ચૂંટણી યોજવી પડે તેવી સ્થિતિ સર્જાતા મતદારોને પલટાવવા શામ, દામ, દંડ, ભેદની રાજનીતિ શરૂ થઇ છે જેના ભાગરૂપે અમુક મતદારોને રાજસ્થાન લઇ જવામાં આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

સહકારી ક્ષેત્રમાં ભાજપના જ બે જૂથ વચ્ચે ખેલાઇ રહેલો જંગ પરાકાષ્ટાએ પહોંચતા પાર્ટીએ આપેલા મૌખિક મેન્ડેટનો ઉલાળીયો કરી દેવામાં આવ્યા બાદ હવે ચૂંટણી પૂર્વે મતદારોને પોતાની તરફેણમાં લેવા બન્ને જૂથ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજકોટ જિલ્લા ભાજપના બે જૂથ વચ્ચેની લડાઇમાં રાજકોટ શહેર ભાજપના નેતાઓ પણ હરકતમાં આવ્યા છે અને પોતાના જૂથના ઉમેદવારોને જીતાડવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એક તરફ લાંબા સમયથી સહકારી ક્ષેત્રમાં પગદંડો જમાવવા મથી રહેલા પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી રા.લો.સંઘનું ચેરમેન પદ મેળવવા પ્રતિષ્ઠાનો જંગ ખેલી રહ્યા છે અને તેમને જીતાડવા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટ પડદા પાછળથી જહેમત ઉઠાવી રહ્યા છે. બીજી બાજુ સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા અને જેતપુરના ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા રા.લો.સંઘના પૂર્વ ચેરમેન નીતિન ઢાંકેચાને ચેરમેન બનાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે.

રા.લો.સંઘની ચૂંટણીમાં ખૂબ ઓછા મતદારો હોય એક-એક મત મૂલ્યવાન છે, ગત વખતની હાઇવોલ્ટેજ ચૂંટણીમાં એક મતની બહુમતીથી સમગ્ર બાજી પલટાઇ ગઇ હતી તે સર્વવિદિત છે. પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી કે જેઓ કુવાડવા બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે તે બેઠકના મતદારોને પ્રવાસે લઇ જવામાં આવ્યા હોવાનું ચર્ચાય રહ્યું છે.

અલબત્ત ગઇકાલે જ આ મુદ્દો જોરશોરથી ચર્ચામાં આવ્યો હતો કે અમુક મતદારો અન્ડર ગ્રાઉન્ડ થઇ ગયા છે કે તેમને અન્ડર ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યા છે. જો કે આ મામલે ભાજપના બન્નેમાંથી કોઇ જૂથ સતાવાર રીતે કંઈ બોલવા તૈયાર નથી. અમુક સહકારી નેતાઓએ તો પોતાના ફોન સ્વીચ ઓફ કરી નાખ્યા છે.


એક મતદારને રાત્રે ફાર્મ હાઉસમાંથી ઉઠાવી ગાયબ કરી દેવાયાની ચર્ચા

રા.લો.સંઘમાં જે પાંચ બેઠક માટે ચૂંટણી યોજાનાર છે તે પૈકીની કાલાવડ રોડ વિસ્તારની એક બેઠકના મતદારને ગત રાત્રે એક ઉમેદવાર તથા કાલાવડ રોડ ઉપરના એક ગામના જિલ્લા ભાજપના એક પૂર્વ હોદ્દેદાર બન્ને સાથે મળીને "આવો તો તમારૂ કામ છે" તેમ કહીને ફાર્મ હાઉસમાંથી કારમાં લઇ ગયા હોવાની ચર્ચા છે. આ મતદારને શોધવા યાર્ડના ચેરમેન સહિતના સહકારી નેતાઓ ધંધે લાગ્યા હોવાની ચર્ચા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application