રાજ્યનાં મોટાં શહેરોમાં નવા બનેલા રસ્તાઓ થોડા જ સમયમાં ટેલિકોમ કંપનીઓ, પાણી પુરવઠા અને અન્ય યુટિલિટી એજન્સીઓ દ્વારા ખોદી નાખવામાં આવે છે. પરિણામે નાગરિકોને ટ્રાફિક, ધૂળ અને ખાડાઓની સમસ્યાનો સામનો કરવો પડે છે, જ્યારે સરકારી નાણાંથી બનેલા રસ્તાઓ પણ લાંબો સમય ટકી શકતા નથી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકારે નવા યુનિફાઇડ સ્ટ્રીટ એન્જિનિયરિંગ મેન્યુઅલમાં મહત્વપૂર્ણ જોગવાઈઓ કરી છે. હવે રસ્તા બનાવતા પહેલાં વિવિધ વિભાગો અને યુટિલિટી એજન્સીઓ વચ્ચે સંકલન ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
મેન્યુઅલની કલમ 2.1 હેઠળ શહેરી વિસ્તારોમાં માર્ગ બાંધકામ, રસ્તા અને જંક્શન ડિઝાઇન તથા સિગ્નલ માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ મુજબ ભૂગર્ભ યુટિલિટીઝનું અગાઉનાં ત્રણ વર્ષનું ઓડિટ કર્યા વિના કોઈપણ માર્ગ બાંધકામ, પહોળો કરવા અથવા રીસર્ફેસિંગના પ્રોજેક્ટને વહીવટી મંજૂરી મળી શકશે નહીં.
આ માટે મ્યુનિસિપલ ઇજનેરોએ પાણી પુરવઠાની પાઇપલાઇનો, ગટરલાઇનો અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાની સ્થિતિનું મૂલ્યાંકન કરવાનું રહેશે. છેલ્લા ત્રણ વર્ષમાં વારંવાર તૂટી ગયેલી ભૂગર્ભ લાઇનો અથવા મેનહોલને નવો રસ્તો બનાવતાં પહેલાં બદલવા અથવા તેનું માળખાકીય સમારકામ કરવું પડશે.
આ ઉપરાંત, પ્રોજેક્ટના અંદાજને મંજૂરી મળે તે પહેલાં તમામ ભૂગર્ભ સુવિધાઓનો જીઆઈએસ આધારિત ડિજિટલ નકશો તૈયાર કરવો ફરજિયાત રહેશે. તેમાં ગેસ પાઇપલાઇન, વીજ કેબલ, ટેલિકોમ ફાઇબર નેટવર્ક, પાણી અને ડ્રેનેજ લાઇનોની વિગતો સામેલ કરવી પડશે.
સૌથી મહત્વની જોગવાઈ મુજબ, નવા રસ્તાની ખામીની જવાબદારીનો સમયગાળો (ડીએલપી) પૂર્ણ ન થાય ત્યાં સુધી બહારની સેવા એજન્સીઓને રસ્તો ખોદવાની પરવાનગી આપી શકાશે નહીં. ભવિષ્યની જરૂરિયાતો માટે અગાઉથી જોગવાઈ કાઢી નાખવાની વ્યવસ્થા પણ કરાશે, જેથી કેબલ કે અન્ય યુટિલિટી લાઇન નાખવા ફરી રસ્તા ખોદવાની જરૂર ન પડે.
આ નવી માર્ગદર્શિકાનો હેતુ રસ્તાઓની ગુણવત્તા જાળવવાની સાથે સરકારી ખર્ચ અને નાગરિકોની હાલાકી ઘટાડવાનો છે.વારંવાર થતા ખોદકામ અને આડેધડ થતાં વિકાસના કામોમાં પ્રજાના નાણાંની ખો નીકળી જાય છે.