BREAKING NEWS

અમદાવાદ મનપાએ નવરાત્રીના ફૂડ સ્ટોલ માટે FSSAI રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યું, અખાદ્ય વસ્તુઓ પકડાશે તો ગરબા આયોજક પણ જવાબદાર

  • October 09, 2026 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ શહેરમાં આગામી નવરાત્રિ મહોત્સવને લઈને તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓ અને નિયમોનું પાલન કરાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. શહેરમાં નવરાત્રિના 80 કરતાં વધુ નાના-મોટા કોમર્શિયલ આયોજનો થતા હોય છે, તેમજ મોટી સોસાયટીઓ દ્વારા પણ મોટાપાયે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ તમામ આયોજનોમાં ખાદ્ય પદાર્થોની શુદ્ધતા અને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત ગરબાના આયોજનોમાં ઊભા કરવામાં આવતા તમામ ફૂડ સ્ટોલ માટે એફએસએસએઆઈનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો પાર્ટી પ્લોટથી લઈને સોસાયટીઓ સુધીના ગરબાના આયોજનોમાં કોઈ અખાધ્ય કે બિનઆરોગ્યપ્રદ વસ્તુઓનું વેચાણ થતું જણાશે, તો માત્ર વેચનાર વિક્રેતા કે કેટરર્સ સામે જ નહીં, પરંતુ તેના આયોજકો અને કમિટી સામે પણ સીધી જવાબદારી નક્કી કરીને કડક પગલાં લેવામાં આવશે. ફૂડ વિભાગ દ્વારા ગત સપ્તાહે જ આ અંગેની ગંભીર નોંધ લઈને તમામ આયોજકોને સૂચના આપી દીધી છે કે તેઓ પોતાના પ્લેટફોર્મ પર નિયમોનું ચુસ્તપણે પાલન કરાવે.

નવરાત્રિના આયોજનોમાં ભાગ લેનાર તમામ ફૂડ સ્ટોલ ધારકો માટે એફએસએસએઆઈનું રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. જો કોઈ એક જ વિક્રેતા દ્વારા ગરબાના મેદાનમાં જુદા જુદા અનેક સ્ટોલ રાખવામાં આવ્યા હોય, તો તે દરેક અલગ સ્ટોલ માટે અલગથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ ઓનલાઈન પ્રક્રિયા ખૂબ જ સરળ છે, જેથી સ્ટોલ ધારકો જાતે જ આ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા તમામ આયોજકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સત્તાવાર રજિસ્ટ્રેશન વગર કોઈપણ વ્યક્તિને સ્ટોલ ફાળવે નહીં.

નવરાત્રિના પવિત્ર અને ઉત્સવના દિવસો દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની વિશેષ ટીમો દ્વારા વિવિધ ગરબા સ્થળો પર સઘન ચેતવણી અને ચકાસણી હાથ ધરવામાં આવશે. આ તપાસ દરમિયાન જે પણ સ્ટોલ પાસે એફએસએસએઆઈનું સત્તાવાર રજિસ્ટ્રેશન નહીં મળે, તેવા વગર રજિસ્ટ્રેશનના તમામ સ્ટોલને તાત્કાલિક ધોરણે સીલ કરવા સુધીની આકરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તંત્રના આ કડક પગલાથી ખાદ્ય સુરક્ષાના માપદંડો જળવાઈ રહેશે અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા અટકાવી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application