અમદાવાદ શહેરના ઠક્કરનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ઝોન-5 એલસીબી અને કૃષ્ણનગર પોલીસની સંયુક્ત ટીમે ચોક્કસ બાતમીના આધારે ઠક્કરનગરના હરિઓમ સાયકલ સામેની એક ગલીમાં આવેલ મકાનના બીજા માળે ભાડે રાખેલી જગ્યા પર દરોડો પાડીને ગેરકાયદેસર વિદેશી દારૂ બનાવતી મીની ફેક્ટરીનો મોટો પર્દાફાશ કર્યો છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સ્થળે કુખ્યાત બુટલેગરો દ્વારા મોંઘી અને નામાંકિત બ્રાન્ડની દારૂની ખાલી બોટલો એકત્ર કરવામાં આવતી હતી. ત્યારબાદ તેમાં સસ્તા અને નીચી ગુણવત્તાવાળો દેશી કે હલકો દારૂ ભરીને તેને અસલી બ્રાન્ડેડ દારૂ તરીકે ઊંચા ભાવે ગ્રાહકોને વેચવાનું મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હતું. લોકો સાથે છેતરપિંડી આચરીને ચાલતા આ ગેરકાયદે ધંધાથી બુટલેગરો મોટો નફો કમાઈ રહ્યા હતા.
આ સફળ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ભરેલી તથા ખાલી બોટલો, અલગ-અલગ મોંઘી બ્રાન્ડના ડુપ્લીકેટ સ્ટીકરો તેમજ બોટલો પર સીલ મારવાના ઢાંકણા સહિત કુલ રૂપિયા ૧,૪૦,૦૦૦ની કિંમતનો શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કર્યો છે. પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ બુટલેગરો છેલ્લા બે મહિનાથી આ ભાડાના મકાનને અડ્ડો બનાવીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બેરોકટોક ચલાવી રહ્યા હતા.
પોલીસે આ રેડ દરમિયાન મુખ્ય બુટલેગર હેમલ ઉર્ફે હેમુ વાઘેલાની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જોકે, આ ગુનામાં સંકળાયેલા અન્ય બે સહઅરોપીઓ પોલીસની એન્ટ્રી થતા જ સ્થળ પરથી ફરાર થવામાં સફળ રહ્યા હતા. કૃષ્ણનગર પોલીસે નાસી છૂટેલા બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની સઘન શોધખોળ શરૂ કરી છે અને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.